CAA મુદ્દે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. વિધાનસભામાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આમ ગુજરાત CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શાસક પક્ષ ભાજપના સભ્યોની સહમતિથી પ્રસ્તાવ પાસ થયો છે.ગૃહમાં ભારતીય નાગરિકત્વ સુધારા બિલ મામલે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવને હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ પ્રસ્તાવ પાસ થયા બાદ વિધાનસભાની કામગીરી પૂર્ણ થઈ હતી.
એક દિવસના ટૂંકા સત્ર દરમિયાન વૈધાનિકપ્રસ્તાવ રજુ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારત દેશની સંસ્કૃતિ અને સમરસતાની વિચારધારાને ભરેલો દે એટલું જ નહીં આજે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી હીજરત કરીને ભારતમાં આવેલા નાગરિકો દેશના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા છે.
ત્યારે ધર્મના આધારે નિર્માણ થયેલા પાકિસ્તાનમાં વસવાટ કરતાં લઘુમતી હિન્દુ સમાજ અત્યાચાર અને વિધર્મી આતંકવાદીનો ભોગ બને છે. એટલું જ નહીં આપખુદ સરમુખત્યાર શાસકો અને રૂઢિચુસ્ત મૌલવીઓના અત્યાચારનો ભોગ બને છે પરિણામે હિંદુ શીખ, જૈન, પારસી, બૌદ્ધ તેમજ ઈસાઈ સમુદાયના લોકો પાસે ન છૂટકે ભારતમાં સ્થળાંતર કરી શરણાગતિ સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.
તેમજ ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભૂતકાળની સરકારો દ્વારા સ્પષ્ટીકરણ ની રાજનીતિના કારણે શરણાગતિ નાગરિકોને તેમના નાગરિકત્વ સહિતના બંધારણીય અધિકારો આજ દિન સુધી મળ્યા નથી પરંતુ વર્તમાન ભાજપ સરકાર એ ખરા અર્થમાં સંવેદનશીલ લોકાભિમુખ સરકાર રહી છે ત્યારે આવા શરણાર્થીઓને મદદ કરવાના ભાગરૂપે સિટિઝનશિપ એકટ 1955માં સુધારો કરવાનો ઐતિહાસિક હિંમતભર્યું નિર્ણય કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.
આ તબક્કે કોંગ્રેસનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેટલાક રાષ્ટ્રવિરોધી તત્ત્વો અને રાજકીય પક્ષો નાગરિકતા કાનૂન મામલે લઘુમતી સમુદાયના લોકોમાં ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સિટિઝનશિપનો કાયદો કોઈને પણ નુકસાન પહોંચાડે તેવો નથી એટલું જ નહીં ભારતના લઘુમતી સમુદાયના લોકો સહિત કોઈપણ વ્યક્તિના નાગરિક અને અસર થશે નહીં.