ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યાં છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,575 કેસ નોંધાયા હતા અને 22 વ્યક્તિના મોત થયા હતા. અગાઉના બે દિવસ દરમિયાન પણ રાજ્યમાં ત્રણ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 8, અમદાવાદમાં 6, સુરત જિલ્લામાં 2, ભાવનગર, બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા શહેરના 1-1 મળી કુલ 22 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને 4,620 થયો હતો.

રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થિતિ ગંભીર બની છે. આ શહેરોમાં હોસ્પિટલો ભરાઈ રહી છે. કોરોનાના આ ઝડપી ફેલાવીની વચ્ચેના રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વડાએ 7 એપ્રિલથી રજા પર ગયેલા કર્મચારીઓની રજા ટૂંકાવવા તેમજ અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવા આદેશ કર્યો હતો.

સરકારે બુધવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2,217 લોકો કોરોનાથી રિકવર થયા હતા. કોરોનાના રિકવરી રેટ ઘટીને 92.90 ટકા થયો હતો. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,28,453 થઈ હતી. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,684 થઈ હતી, જેમાંથી 175 દર્દી ગંભીર હાલતમાં હતા.

અમદાવાદ જિલ્લામાં 823 નવા કેસ નોંધાયા હતા અને છ વ્યક્તિના મોત થયા હતા, જ્યારે સુરતમાં 819 નવા કેસ નોંધાયા હતા અને 10 વ્યક્તિના મોત થયા હતા. રાજકોટમાં 490 અને વડોદરામાં 457 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જામનગરમાં 175, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 19, જુનાગઢમાં 43, પાટણમાં 111, મહેસાણામાં 66 અને આણંદમાં 18 નવા કેસ નોંધાયા હતા.

સરકારે લોકડાઉનનો હજુ કોઈ મહત્વનો નિર્ણય કર્યો નથી પરંતુ સુરતમાં કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉનના બેનર જોવા મળ્યા હતા. કેટલાક વેપારીઓ જનતા લોકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. સુરતમાં હોસ્પીટલ હાઉસફુલ થઈ રહી છે. સુરતના સ્મશાનગૃહોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ત્રણથી પાંચ કલાકનું વેઈટીંગ જોવા મળતાં સુરતીઓના જીવ તાળવે ચોંટયા હતા.