પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ વર્ષના અંતમાં જ્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM)નું FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે EVMના FLC અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ/અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા FLC સુપરવાઈઝર્સને તાલીમ માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના સચિવ મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવ ઓ.પી. સહાની, ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતાં પ્રથમ તબક્કાના FLC વર્કશૉપની અગત્યતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, આ વર્કશોપમાં EVM અને VVPAT અંગેની પારદર્શિતા અને ટેકનિકલ બાબતે પંચના અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને મતદાન મથકો નક્કી કરવા સહિતની પ્રક્રિયાની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાના પાયારૂપ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે ત્યારે EVMના FLC અંગેનો વર્કશૉપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.