ગુજરાતમાં દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા ફરી ફરજીયાત બની શકે છે તથા હવે આ વાહનના પાછળની સીટ પર બેસનાર માટે તથા 4 વર્ષ કે તેની ઉપરના વ્યક્તિ જે દ્વીચક્રી વાહનમાં સફર કરતા હોય તેના માટે પણ હેલ્મેટ પહેરવી ફરજીયાત જ છે.

હેલ્મેટ ફરજીયાત કરતા કેન્દ્રીય મોટર વ્હીકલ એકટમાં કરાયેલા સુધારા બાદ રાજયમાં સરકારે તેનો અમલ શરુ કરાવતા જબરો રોષ વ્યાપી ગયો હતો અને હેલ્મેટ નહી પહેરવા બદલ પોલીસે વાહનચાલકો પર ધોંસ બોલાવી કરોડો રૂપિયાનો દંડ પણ વસુલી લીધો હતો. જેના પરિણામે પ્રચંડ લોકરોષ સર્જાતા રાજય સરકાર તા.4 ડીસે. 2019ના વાહનવ્યવહાર વિભાગના એક પરિપત્રની રાજયના પાલીકા ક્ષેત્રમાં હેલ્મેટનો અમલ મરજીયાત કરી દીધો હતો પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

જેમાં રાજય સરકારે સંસદ દ્વારા મંજુર કરાવેલા અને રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે તે કાનૂનમાં બદલવાનો અને હેલ્મેટ મરજીયાત કરવાનો રાજય સરકારને કોઈ અધિકાર જ નથી તેવી રજુઆત હાઈકોર્ટ સમક્ષ થતા સરકારે વળતા સોગંદનામામાં આજે જણાવ્યું હતું કે રાજયમાં હેલ્મેટનો ફરજીયાતનો અમલ યથાવત જ છે. રાજય સરકારે તેમાં કોઈ છૂટછાટ આવી નથી અને સતાવાર કોઈ જાહેરાત પણ કરી નથી તેની આ બાજી ટકવાપાત્ર નથી.