ગુજરાત વિધાનસભામાં ગુરુવારે લહ જેહાદ વિરુદ્ધ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ભારતનું ત્રીજું રાજ્ય બન્યુ છે. બળજબરીપૂર્વક કે લલચાવીને લગ્ન કરવા બદલ ત્રણથી પાંચ વર્ષ સુધીની જેલની સજા અને રૂ.2 લાખના દંડની જોગવાઈ છે.

ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. આ ખરડામાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ છે.

આ સુધારા ખરડાને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલીગીરી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારા સમાજને ટાર્ગેટ બનાવવામાં આવતો હતો જે યોગ્ય ન હતું.

પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.