ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ વિવિધ સ્થળો અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનું સેવાયજ્ઞ શરૂ થયો છે. રાજ્યની SOTTO(State Organ Tissue And Transplant Organisation) દ્વારા વિવિધ શહેરોમાં અંગદાનના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યની વિવિધ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
૨૫મી મે ના રોજ રાજ્યમાં થયેલ ત્રણ અંગદાનની વિગતો જોઇએ તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ગ અકસ્માતના કારણે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ ગાંધીનગરના ૫૦ વર્ષીય જસુજી ઠાકોરના અંગદાનમાં હૃદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. હ્યદયને ગ્રીનકોરિડોરની મદદથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે.
જુનાગઢના વંથલી તાલુકાના રવની ગામના ૬૬ વર્ષના મગનભાઇ ગજેરાને બ્રેઇનસ્ટ્રોકના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા હોસ્પિટલના તબીબોએ પરિવારજનોએ અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇનડેડ મગનભાઇના બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને કેશોદથી ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે લાવવામાં આવ્યું.
આવી જ રીતે વડોદરાની ૧૭ વર્ષની દીકરી વૃંદાને હાઇપોક્સિયા થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. સધન સારવાર બાદ પણ તેની સારવારમાં નિષ્ફળતા મળી અને તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.
બ્રેઇનડેડ થતા વૃંદાના પિતા કમલેશભાઇ પટેલે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલ તંત્ર દ્વારા બ્રેઇનડેડ વૃંદાના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરતા હ્યદય, ફેફસા, બંને કિડની, લીવર, સ્વાદુપિંડ અને બંને કોર્નિયાનું દાન મળ્યું. જેમાંથી હૃદયને ગ્રીન કોરિડોર દ્વારા મુંબઇની હોસ્પિટલ જ્યારે ફેફસાને ચેન્નઇની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા.
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ આ રીતે જ ચાલતી રહી તો તે દિવસ દૂર નથી જ્યારે કોઇ જીવીત વ્યક્તિએ અન્ય જીવિત વ્યક્તિને પોતાના અંગોનું દાન કરવું પડશે નહીં. રાજ્યમાં અંગોનું વેઇટીંગ લીસ્ટ પણ સંપૂર્ણપણે ઘટશે.