ગુજરાત કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા (ફાઇલ ફોટો). (ANI Photo)

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને બક્ષીપંચના આગેવાનીની ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની અને પંચાયતોમાં ઓબીસી વર્ગને અનામત આપવાની માગણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં 3250થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બાવન ટકા વસતિ ધરાવતા OBC સમાજ માટે અનામત બેઠકોના મુદ્દે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને બક્ષીપંચના નેતાઓની યોજાયેલી બેઠકમાં રાજ્યમાં તાત્કાલિક જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી શરૂ કરવા અને ત્રણ મહિનામાં આ ગણતરી પૂરી કરવાની માગ કરવામાં આવી હતી. આ વસતિ ગણતરી પૂરી ન થાય ત્યાં સુધી પંચાયતોની ચૂંટણી મુલતવી રાખવા માગણી કરાઈ હતી. આ બેઠકમાં બિન રાજકીય રીતે અનામત બચાવ સમિતિની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે યોજાયેલી બક્ષીપંચ સમાજના ધારાસભ્યો, આગેવાનોની બેઠકમાં રાજ્યમાં OBC સમાજ માટે રાજ્ય સરકારના બજેટમાંથી 27 ટકા રકમની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે અને આ બજેટની રકમ OBC સમાજ અને તેના વિસ્તારમાં જ વપરાય તે માટે  સબ પ્લાન કમિટીઓની રચના કરવાની માગણી કરવામાં આવી હતી.

આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રજૂઆતો કરવા છતાં તેના માટે સરકાર તરફથી માગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી OBC અનામત દૂર કરવાનો આદેશ કરાયો હતો. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત OBC, SC, ST ધારાસભ્યો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા