કોંગ્રેસ હાઇકમાન્ડે આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોંપવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.. આ ઉપરાંત વરિષ્ઠ આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી નક્કી માનવામાં આવે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જે ત્રણ ડિસેમ્બરે સાંજે થવાની શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ તરીકે દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો. કોંગ્રેસ 3 ડિસેમ્બરે સાંજે વિધાનસભા હોલમાં વિધાનસભા વિપક્ષાના નેતા અને પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે ઘોષણા કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુક્તિ કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત હાથ ધરવામાં હતી. સૌ પ્રથમ હાર્દિક પટેલના નામની ચર્ચા હતી જેનો ખુદ સિનિયર ધારાસભ્યોએ જ વિરોધ કર્યો હતો જેથી હાઇમાન્ડે આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.

આ પછી અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચાએ જોર પકડયુ હતું. આખરે ખુદ શક્તિસિંહ ગોહિલે જ રેસમાંથી હટી જવાનુ નક્કી કર્યુ હતું. ભરતસિંહ સોલંકીએ પણ દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાન્ડે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ નામો બાદ જગદીશ ઠાકોરનુ નામ ઉમેરાયુ હતું. આખરે દિપક બાબરિયા નામ પર મંજૂરીની મહોર વાગે તેમ હતી.

જોકે, બાબરિયાના નામથી વિવાદ વકરે તેવી ધારણ થાય તે પહેલાં જ દિલ્હીમાં આજે દિવસભર જ્ઞાાતિગત સમીકરણ માંડવા મંથન ચાલ્યુ હતું. આખરે હાઇકમાન્ડે ઓબીસી નેતા જગદીશ ઠાકોરના નામ પર મંજૂરીની મહોર મારી હતી. જયારે સુખરામ રાઠવાને વિધાનસભા વિપક્ષના નેતાપદે નિયુક્તિ કરવા નિર્ણય લેવાયો હતો.

આજે સાંજે ચાર વાગે ગાંધીનગરમાં વિધાનસભા હોલમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના વડપણ હેઠળ ધારાસભ્યોની બેઠક મળનાર છે જેમાં વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. સૂત્રોના મતે,પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ વધુ ત્રણ કાર્યકારી પ્રમુખ નિમવા પણ હાઇકમાન્ડે ગણતરી રાખી છે.