અમેરિકામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો H1-B વિઝા પર કામ કરે છે. પરંતુ અમેરિકન સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)માં કામના ભરાવાને કારણે ઘણા લોકોને પ્રક્રિયામાં મોટી સમસ્યા ઊભી થઈ છે. ભારત ગયેલા H1-B વિઝાધારકોએ અમેરિકા પરત આવતા અગાઉ દિલ્હીની અમેરિકન એમ્બેસી અથવા ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઇ ખાતેના કોન્સ્યુલેટ્સમાં પાસપોર્ટ્સ પર સ્ટેમ્પ લગાવવો જરૂરી છે. જોકે, કોરોના પછી આ પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે અને અમેરિકામાં કાર્યરત ભારતીયોને સમસ્યામાંથી પસાર થવું પડે છે. અમેરિકામાં H1-B વિઝા પર કામ કરતા વિદેશીઓની સંખ્યામાં ભારતીયો મોખરે છે. ગત નાણાકીય વર્ષ 2021માં USCIS દ્વારા મંજૂર કરાયેલા 4.07 લાખ H1-B વિઝામાંથી ભારતીયોને 74.1 ટકા વિઝા મળ્યા હતા. 2020માં મંજૂર યેલા 4.26 લાખ વિઝામાંથી 74.9 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. હવે વિઝા સ્ટેમ્પ માટે પાસપોર્ટ સુપરત કરવાની તારીખ મેળવવામાં વિલંબને કારણે ઘણા લોકોને વેકેશન, લગ્ન, તહેવારો સહિતની બાબતો માટે ભારત જવામાં મુશ્કેલી ઊભી થઇ છે. અમેરિકામાં કામ કરતા ઘણા H1-B વિઝાધારકોએ જણાવ્યું હતું કે, તે જુદાજુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય લોકો દ્વારા તેમને વિઝાના સ્લોટ અંગે નવી નવી માહિતી મળી શકે છે. કેટલાક લોકોએ તો ભારતમાં એજન્ટ્સને મોટી રકમ ચૂકવીને સ્લોટ બુક કરાવ્યા હોવાનું કહેવાય છે.

કેટલાક લોકોએ તારીખ બુક કરાવી હોવા છતાં ભારત આવ્યા પછી લાંબા વિલંબનો સામનો કરવો પડે છે. કારણ કે તેમને વધારાના ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે અથવા તો વધારાની તપાસમાંથી પસાર થવું પડે છે. H1-B વિઝાના ઇન્ટરવ્યૂનો ભરાવો ક્યારે ઓછો થશે એ સ્પષ્ટ નથી, પણ દિલ્હીમાં અમેરિકન એમ્બેસીના કોન્સ્યુલર બાબતોના કાઉન્સેલર ડોનાલ્ડ હેફલિને જણાવ્યું હતું કે, મધ્ય 2023 સુધીમાં અમેરિકાની કોન્સ્યુલર સુવિધા 100 ટકા સામાન્ય થઇ જશે.