સોમવારના રોજ આવી રહેલા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આ વિકેન્ડમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા માટે યુકેમાં વસતા 1.5 મિલિયનથી વધુ ભારતીય ડાયસ્પોરાના લોકોને ભારતીય હાઇ કમિશન દ્વારી આહ્વાન કરવામાં આવ્યું છે. કોલોનીયલ રૂલમાંથી ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પ્રસંગે ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 13-15 ઓગસ્ટ વચ્ચે ‘હર ઘર તિરંગા અભિયાન’ની આ ઝુંબેશ શરૂ કરી હતી. ઝુંબેશના ભાગરૂપે, ભારતીયોને રાષ્ટ્રધ્વજ સાથે તેમના જોડાણને વધુ ગાઢ બનાવવા માટે પોતાપોતાના ઘરોમાં અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ત્રિરંગો લહેરાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હાકલ કરતાં જણાવ્યું હતું કે ‘’હું તમને ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવા અને આ ઝુંબેશનો ભાગ બનવા માટે આહ્વાન કરૂ છું.”

યુકે સ્થિત કાર્યકારી ભારતીય હાઈ કમિશનર સુજીત ઘોષે લંડનમાં ભારતીય વિદ્યા ભવન ખાતે ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “ભારતની આઝાદીની 75 વર્ષની આ સફર ખરેખર નોંધપાત્ર રહી છે. આજે, ભારત ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકી પ્રાર્થના’ ના મંત્ર સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ભારત 1.3 બિલિયન લોકોનું ઘર છે, જે તેની મજબૂત લોકશાહી, તેની વિવિધતા, સર્વસમાવેશકતા, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણી તાકાત સાથે આર્થિક શક્તિ તરીકે ઓળખાય છે.”

ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી ઘોષ બાંગ્લાદેશના વર્તમાન ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના આગમન સુધી કાર્યકારી હાઈ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે.