Houses of Parliament, Westminster, London (istockphoto.com)

ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલી તોડફોડનો મુદ્દો યુકેની પાર્લામેન્ટ – હાઉસ ઑફ કોમન્સમાં 23ના રોજ ગુરૂવારે ઉઠાવવામાં આવ્યો હતો. બ્રિટિશ સાંસદોએ “ખાલિસ્તાની હુલીગન્સ” સામે પગલાં લેવાની, ભારતના રાજદ્વારી કર્મચારીઓની સુરક્ષાની માગણી સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હિંસા પાછળના જૂથોને પ્રતિબંધિત કરવાની અને આ અંગે સંસદમાં ચર્ચાની હાકલ કરી હતી. જ્યારે વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ ગેરેથ થોમસે હાઉસ ઓફ કોમન્સના નેતાને “આવું કોઈ પુનરાવર્તન ન થાય” તેની ખાતરી કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે પૂછ્યું હતું.

હાઉસ ઓફ ધ બિઝનેસને સંબોધતા કેબિનેટ મંત્રી, પેની મોર્ડન્ટે ભારતીય હાઇ કમિશનની આસપાસના સંરક્ષણ પગલાંની સમીક્ષાની જાહેરાત કરનાર ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીના અગાઉના નિવેદનનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે “અમે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર થયેલી તોડફોડ અને હિંસક કૃત્યોની સખત નિંદા કરીએ છીએ. તે હાઈ કમિશન અને તેના સ્ટાફ સામે સંપૂર્ણપણે અસ્વીકાર્ય કાર્યવાહી હતી. મેટ્રોપોલિટન પોલીસ સાથે હાઈ કમિશનની આસપાસના રક્ષણાત્મક પગલાંની સમીક્ષા કરવા માટેનું કામ ચાલુ છે, અને તેના કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ ફેરફારો કરવામાં આવશે.’’

બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે ‘’રવિવારે થયેલો હુમલો આટલા વર્ષોમાં થયેલો છઠ્ઠો હુમલો હતો. ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની ગુંડાઓની ગુંડાગીરી આ દેશ માટે કલંકરૂપ છે. ખાલિસ્તાની આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. કેનેડા, યુએસ અને ઑસ્ટ્રેલિયામાં વિકેન્ડમાં સમાન હુમલા જોવા મળ્યા હતા. આપણે અત્યારે આ દેશમાં ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છીએ. શું આપણે આ સરકારના સમયમાં ચર્ચા કરી શકીએ છીએ કે આ આતંકવાદીઓને આ દેશમાં જવાબદાર ઠેરવવામાં આવે અને પ્રતિબંધિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણે શું પગલાં લઈ શકીએ છીએ.”

બીજી તરફ લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી ખોટી માહિતીનો સામનો કરવા માટે કામ કરી રહ્યું છે. હાઈ કમિશને ટ્વિટ કર્યું હતું કે ‘’બુધવારે યોજાયેલા ખાલિસ્તાન તરફી પ્રદર્શન દરમિયાન ફેંકવામાં આવેલી શાહી ખુદ વિરોધીઓ દ્વરા ફેંકવામાં આવી હતી.  કેટલાક તોફાનીઓએ હાઈ કમિશન પર પાણીની બોટલો, શાહી ભરેલા ફુગ્ગા, ઈંડાઓ અને ફટાકડાઓ ફેંકતા તે અન્ય વિરોધીઓ અને પોલીસ પર પડ્યા હતા. મિશનના સ્ટાફ દ્વારા અમારા પોતાના ભાઈઓ પર કંઈપણ ફેંકવામાં આવ્યું ન હતું. અમારી પાસે પુરાવા છે. સંવાદિતાને વિક્ષેપિત કરવાના હેતુથી ખોટી માહિતી પર વિશ્વાસ કરશો નહીં. ભારતીયો હંમેશા તમામ લોકોની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરશે.” ઇન્ડિયા ભારત હાઉસ તરફ ખાલિસ્તાનનો ધ્વજ ધારણ કરનારા વિરોધીઓ દ્વારા ફેંકવામાં આવતી પાણીની બોટલો અને રંગીન ફ્લેયર્સ દર્શાવતા વીડિયો પણ રજૂ કરાયા હતા.

યુકે સરકારે હુમલાઓને “અસ્વીકાર્ય” ગણી વખોડી કાઢ્યા છે અને હિંસાની આવી ઘટનાઓનો “મજબૂત જવાબ” આપવા પ્રતિબદ્ધ છે.

LEAVE A REPLY