Indian High Commissioner Doraiswamy

ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પોતાના સીમાચિહ્નરૂપ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના પ્રવાસમાં સ્ટોકપોર્ટની મુલાકાત લીધી હતી. સ્ટોકપોર્ટ બરોની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય હાઈ કમિશનર બનેલા દોરાઇસ્વામીને ટોવેલ કંપની ક્રિસ્ટી ટોવેલ્સ ઓફ ઈંગ્લેન્ડની ટુર રાઉન્ડ આપવામાં આવી હતી. ભારતીય મૂળ કંપની વેલસ્પનની માલિકીની ક્રિસ્ટી ટોવેલ્સ ઓફ ઈંગ્લેન્ડ વિમ્બલ્ડનને ટોવેલ સપ્લાય કરે છે અને ટેનીસ મેચ સ્પોન્સર કરે છે.

યુકે સરકાર ભારત સાથે વેપાર સોદા માટે વાટાઘાટ કરી રહી છે ત્યારે સ્ટોકપોર્ટના લેબર મેમ્બર ઓફ પાર્લામેન્ટ નવવેન્દુ મિશ્રા દ્વારા આ મુલાકાતનું આયોજન કરાયું હતું. આ સોદાનું અગાઉ લેબર લીડર સર કેર સ્ટાર્મર, એમપી દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમણે હાઉસ ઓફ કોમન્સ ચેમ્બરમાં ભારત સાથેના વેપાર સોદાને સમર્થન આપ્યું હતું.

એમપી મિશ્રાએ અગાઉ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે ‘’વર્ષ 2021માં, નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડે ભારતમાં £350 મિલિયનથી વધુ માલની નિકાસ કરી હતી અને બંને દેશો વચ્ચેના વેપાર સોદાથી આ ક્ષેત્રને અન્ય £304 મિલિયન સુધીનો વધારો થઈ શકે છે.

હાઈ કમિશનર ફૂટબોલના ચાહક હોવાથી, શ્રી મિશ્રાએ તેમને 1849માં સ્ટોકપોર્ટમાં સ્થપાયેલી કંપની રોબિન્સન્સ બ્રુઅરીના ખાસ પસંદ કરેલા બિયર અને ફ્રેમ કરેલ સ્ટોકપોર્ટ કાઉન્ટી શર્ટ ભેટ આપ્યા હતા. મતવિસ્તારની મુલાકાત બાદ, હાઈ કમિશનર ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ સહિત પ્રદેશના લેબર નેતાઓને પણ મળ્યા હતા અને માન્ચેસ્ટર સિટી સેન્ટરમાં એક રિસેપ્શનમાં બ્રિટિશ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળ્યા હતા.

નવેન્દુ મિશ્રા એમ.પી.એ જણાવ્યું હતું કે “સ્ટૉકપોર્ટમાં ભારતના હાઈ કમિશનર માટે કાર્યક્રમનું આયોજન કરીને આનંદ થયો. અમે વ્યાપારી સોદાથી આ પ્રદેશમાં શું ફાયદાઓ થઈ શકે છે તેની ચર્ચા કરી હતી. હું આશા રાખું છું કે ભવિષ્યમાં થનારી ઘણી મુલાકાતોમાંની આ પ્રથમ મુલાકાત છે.”

LEAVE A REPLY

18 + 19 =