ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદ્ધાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 18 નવેમ્બરે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.

સમિટને સંબોધતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહામારીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરને કેન્દ્રમાં લાવી દીધું છે. છેલ્લા બે વર્ષમાં હેલ્થકેરના તમામ પાસાઓ ભલે તે લાઈફસ્ટાઈલ હોય, કે મેડિસિન, અથવા મેડિકલ ટેક્નોલોજી, કે વેક્સિને દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. ભારતીય ફાર્માસ્યુટિક ઈન્ડસ્ટ્રી પણ આ પડકાર સામે ઉભી થઈ છે. હાલના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.
મોદીએ જણાવ્યું કે, આપણી સારા આરોગ્યની પરિભાષા શારીરિક સીમાઓ સુધી જ પુરતી નથી. આપણે સમગ્ર માનવજાતની સુખાકારી પર વિશ્વાસ કરીએ છીએ. અને કોવિડ-19 મહામારીના સમય દરમિયાન આપણે આ ભાવના સમગ્ર દુનિયાને દેખાડી છે. મહામારીના પ્રારંભિક તબક્કામાં આપણે 150 જેટલાં દેશોમાં જીવનરક્ષક દવાઓ અને મેડિકલ સાધનો નિકાસ કર્યાં છે. અને આ વર્ષે 65 મિલિયન કરતાં પણ વધારે કોરોના વેક્સિન ડોઝ 100 દેશોમાં નિકાસ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.