મેડિકલ ક્ષેત્રમાં એક ખૂબ જ મોટી કહી શકાય તેવી ઘટનામાં અમેરિકાના સર્જનોએ જિનેટિકલ મોડિફાઇડ ડુક્કરનું હ્રદય સફળતાપૂર્વક 57 વર્ષના એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ સર્જરી પહેલા 57 વર્ષના ડેવિડ બેનેટે સર્જન બાર્ટલી પી ગ્રિફિથ સાથે આ પોઝ આપ્યો હતા. ફોટો સૌજન્યા ( University of Maryland School of Medicine (UMSOM)/Handout via REUTERS. )

મેડિકલ ક્ષેત્રમાં એક ખૂબ જ મોટી કહી શકાય તેવી ઘટનામાં અમેરિકાના સર્જનોએ જિનેટિકલ મોડિફાઇડ ડુક્કરનું હ્રદય સફળતાપૂર્વક 57 વર્ષના એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. મેડિકલ ક્ષેત્રની આ ઐતિહાસિક સિદ્ધિથી ઓર્ગન ડોનેશનની તીવ્ર અછતને દૂર કરવામાં મદદ મળે તેવી શક્યતા છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સર્જરી શુક્રવારે કરવામાં આવી હતી. આ સર્જરી એનિલમથી મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટેશન માટેની એક મોટી સિદ્ધિ છે. ડેવિડ બેનેટ નામના આ દર્દી એક જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા હતા.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડના રહેવાસી ડેવિડ બેનેટની તબિયત હાલ ઘણી સારી છે. તેમના પર ત્રણ દિવસ પહેલા સર્જરી કરવામાં આવી હતી. તેમના શરીરમાં જે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તેના પલ્સ અને પ્રેશર પણ બિલકુલ માનવ હ્રદય જેવા જ છે. જોકે, દર્દીને હજુય હાર્ટ-લંગ બાયપાસ મશીનના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સર્જરી પહેલા તેમને તેના પર રખાયા હતા. ડૉક્ટર્સનું કહેવું છે કે નવું હ્રદય મોટાભાગનું કામ કરી રહ્યું છે. અત્યારસુધી રિજેક્શનના કોઈ લક્ષણ નથી દેખાયા. મંગળવાર સુધીમાં દર્દીને મશીન સપોર્ટ પરથી હટાવી લેવાય તેવી શક્યતા છે.

આ ઓપરેશન જેમની આગેવાનીમાં થયું છે તેવા ડૉ. બાર્ટલે પી. ગ્રિફિથના જણાવ્યા અનુસાર, મેડિકલ ટીમ ખૂબ જ સાવધાનીથી વર્તી રહી છે. દુનિયાની આ પ્રકારની પહેલી સર્જરીને લઈને અમે ખૂબ આશાવાદી છીએ. તેનાથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરુરિયાત ધરાવતા ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે એક નવી જ આશા જન્મી છે.