Flood in pakistan 1000 dead
પાકિસ્તાનના હૈદરાબાદમાં 24 ઓગસ્ટે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને લોકો ડોન્કી કાર્ટમાં જઈ રહ્યાં છે. REUTERS/Yasir Rajput

પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે મોટાપાયે વિનાશ વેરાયા બાદ ગુરુવારે તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તાજા ડેટા મુજબ ભારે વરસાદ અને પૂરથી અત્યા સુધી 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે અને આશરે 30 મિલિયન લોકો ઘેરવિહોણા બન્યા છે. સિંધ પ્રાંતમાં 14 જૂન પછીથી સૌથી વધુ 306ના મોત થયા હતા. બલુચિસ્તાનમાં 234 અને પંજાબમાં 165 લોકોનો મોત થયા હતા.

ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. પ્રધાને જણાવ્યું હતું કે બલૂચિસ્તાન અને સિંધમાં પૂરને કારણે થયેલી તબાહીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે. એક અહેવાલ મુજબ, વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમની યુનાઇટેડ કિંગડમની મુલાકાત રદ કરી છે અને તેઓ કતારથી પાછા આવ્યા બાદ પૂર રાહત પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરશે.