ફાઇલ ફોટોઃ ગોપીચંદ હિન્દુજા (લેફ્ટ) અને શ્રીચંદ હિન્દુજા (Photo by RAVEENDRAN/AFP via Getty Images)

હિન્દુજા પરિવારે મલ્ટિફેમિલી ઓફિસ ચાલુ કરવા માટે ન્યૂ યોર્ક સ્થિત ફોકસ ફાઇનાન્શિયલ પાર્ટનર્સ ઇન્ક સાથે ભાગીદારી કરી છે. આ નવું સાહસ વિશ્વના ધનિકોને વિવિધ સર્વિસિસ પૂરી પાડશે.

બેરિલસ કેપિટલ નામની વેલ્થ એડવાઇઝરી કંપની હિન્દુજા પરિવાર અને ફોકસ ફાઇનાન્શિયલ વચ્ચેનું એક સાહસ છે. તે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બેન્કિંગ અને રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસિસ પૂરી પાડશે, એમ સોમવારે એક નિવેદનમાં જણાવાયું હતું.

આ કંપનીની ઓફિસે લંડન, જિનિવા અને સિંગાપોર હશે. તેના વડા રોયલ બેન્ક ઓફ કેનેડાના લંડન ખાતેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અમિત કોઠા હશે. તેઓ કંપનીના સહસ્થાપક પણ છે.

મુંબઈ સ્થિત હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું હતું કે આ મહત્ત્વનું વ્યૂહાત્મક જોડાણ છે. બેરિલસ કેપિટલ વિશ્વના અલ્ટ્રા-હાઇ નેટવર્થ પરિવારોની જરૂરિયાતો પૂરી કરશે. ગોપીચંદ ઉપરાંત હિન્દુજા પરિવારમાં ત્રણ ભાઇ શ્રીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજાનો સમાવેશ થાય છે. હિન્દુજા ગ્રૂપ બ્રિટન, યુરોપ અને ભારતમાં બિઝનેસ ધરાવે છે.
તેમના પિતાએ 1947માં ભારતના ભાગલાના ત્રણ દાયકા પહેલા બિઝનેસની સ્થાપના કરી હતી. તેઓ ઇરાનથી કાર્પેટ, ડ્રાય ફ્રૂટ અને સેફ્રન લાવીને નિકાસ કરતા હતા. આ ગ્રૂપ હાલમાં આશરે 40 દેશોના ફાઇનાન્સ, મીડિયા અને હેલ્થકેરમાં રોકાણ ધરાવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ પરિવારની સંપત્તિ આશરે 18 બિલિયન ડોલર છે.

કોઠાએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી વધુ વગદાર પરિવારો સાથે લાંબા ગાળાના સંબંધો અમારી મજબૂતાઈ છે.
ફોકસના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રજિની કોડિયાલમે જણાવ્યું હતું કે બેરિલસ અમારા યુરોપ અને એશિયામાં વિસ્તરણની આગેવાની લેશે અને તે અલ્ટ્રા-હાઇ નેટવર્થ સેગમેન્ટમાં અમારી હાજરીમાં વધારાનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.