Hinduja Group will invest Rs 35000 crore in Maharashtra

મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં રાજ્ય સરકાર અને હિન્દુજા ગ્રૂપ વચ્ચે એક સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મુખ્યપ્રધાન શિંદેની હાજરીમાં હિન્દુજા ગ્રૂપ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. હિન્દુજા જૂથના જીપી હિન્દુજા, અશોક હિન્દુજા અને પ્રકાશ હિન્દુજાની હાજરીમાં મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રૂપે રાજ્યમાં રોકાણ માટે 11 ક્ષેત્રોની ઓળખ કરી છે, જેમાં રિન્યુએબલ એનર્જી, મીડિયા અને મનોરંજન, ગ્રામીણ આર્થિક વિકાસ, સાયબર સિક્યુરિટી, કોમર્શિયલ ઓટોમોબાઈલ્સ, બેન્કિંગ-ફાઇનાન્સ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ અને નવી ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે. જી પી હિન્દુજાએ જણાવ્યું હતું કે, “એમઓયુ ઝડપથી અમલમાં આવશે.”

મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર માટે ઐતિહાસિક એક ક્ષણ: હિન્દુજા ગ્રૂપ રાજ્યમાં આશરે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.

મુખ્યપ્રધાન શિંદેએ કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં સરકારે રૂ. 70,000 કરોડના રોકાણની દરખાસ્તોને મંજૂરી આપી છે જેના દ્વારા 55,000થી વધુ યુવાનોને નોકરી મળશે.”અમે સરકારી વિભાગોમાં પણ 75,000 નોકરીઓ પ્રદાન કરી રહ્યા છીએ.અમે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારી ઊભી કરી રહ્યાં છીએ. આ રોકાણોને કારણે, નોકરીઓ ઉપલબ્ધ થશે. નાગપુર અને શિરડી વચ્ચેના સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માત્ર હાઇવે જ નહીં પરંતુ ચેન્જર પ્રોજેક્ટ છે.

વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રે વેદાંતા-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ સહિતના કેટલાક મોટા- પ્રોજેક્ટ્સ ગુમાવ્યા ત્યારે શિંદે સરકારની આકરી ટીકા થઈ હતી. શિંદેએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ છે અને સરકારે ઉદ્યોગોને લાઇસન્સ આપવા માટે વન-વિન્ડો સ્કીમ શરૂ કરી છે. ટૂંક સમયમાં એક કાયદો અમલમાં આવશે અને સરકાર ઉદ્યોગોને અન્ય પ્રોત્સાહનો પણ આપી રહી છે. મહારાષ્ટ્રમાં અનુકૂળ વાતાવરણ છે. રોકાણ માટે અને કુશળ માનવબળ ઉપલબ્ધ છે. સરકાર અને વહીવટીતંત્ર ઉદ્યોગ સાહસિકોને તમામ સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે.”

LEAVE A REPLY

three × 1 =