Husband found guilty of gruesome murder of Newham's Ayesha

ઇસ્ટ લંડનના ન્યુહામના બરાર્ડ રોડ ખાતે રહેતા આસીમ હસન નામના 33 વર્ષના યુવાને તેની પત્ની આયશા હસનની છરીના 26 વાર ઝીંકી દઇ હત્યા કરતા ગુરુવાર તા. 20 એપ્રિલના રોજ, ઓલ્ડ બેઈલી કોર્ટ ખાતે એક ટ્રાયલ બાદ જ્યુરીએ તેને દોષિત ઠેરવ્યો હતો. આસીમને 25 મે, ગુરુવારે આ જ કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ હસને તેની પત્ની પર ક્રૂર હુમલો કરી છરીના ઓછામાં ઓછી 26 વાર કરી હત્યા કરી હતી. હસનના ઉગ્ર હુમલા દરમિયાન આયશાએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી શકી ન હતી. હસને દાવો કર્યો હતો કે તેનો ઇરાદો ગંભીર નુકસાન પહોંચાડવાનો નહોતો.

હસને 19 મે 2022ના રોજ મળસ્કે 6:24 કલાકે 999 પર ફોન કરી હત્યાની જાણ કરી હતી અને પોલીસ તથા એમ્બ્યુલન્સ આવેતેની રાહ જોઇ હતી અને પોલીસને “હું દોષિત છું, અને તમે મારા પર આરોપ લગાવી શકો છો.” એમ જણાવ્યું હતું.

પોસ્ટમોર્ટમ તપાસમાં આયશાને છરાના ઓછામાં ઓછા 26 ઘા સહીત કુલ 36 ઇજાઓ કરાઇ હોવાનું જણાયું હતું. જ્યુરીએ સાંભળ્યું કે દંપતીને સંબંધોમાં સમસ્યા હતી અને પૈસા અને હસનના અપમાનજનક વર્તન અંગે દલીલો થઈ હતી.

આયશા તેના પતિથી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે પતિની વર્તણૂક ગુપ્ત રીતે રેકોર્ડ કરવાનું શરૂ કરી પોતાના મિત્રોને જણાવ્યું હતું. હત્યાના માત્ર 10 દિવસ પહેલા તેણે મિત્રોને મેસેજ કરીને કહ્યું હતું કે તેના પર હુમલો કર્યો હતો. તેના બીજે જ દિવસે આયેશાને રૂમમાંથી બહાર જવા દેવાનો ઇનકાર કરી છરી ઉપાડવાની ધમકી આપી હતી. એક પાડોશીની ફરિયાદના આધારે પોલીસે ઘરે જઇ તપાસ કરતા આયેશાએ બધુ બરાબર  હોવાનું કહ્યું હતું.

LEAVE A REPLY

2 × one =