Nitish Kumar
(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

બિહારમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના પક્ષ જેડીયુ અને ભાજપના ચાર વર્ષ જૂના જોડાણનો મંગળવાર (9 ઓગસ્ટ) અંત આવ્યો હતો. નીતિશકુમાર હવે લાલુપ્રસાદ યાદવના પક્ષ આરજેડી સાથે જોડાણ કરીને રાજયમાં સરકારની રચના કરે તેવી અટકળો છે. બિહારમાં અત્યાર સુધી ભાજપ અને નીતિશકુમારના પક્ષ  જેડીયુની ગઠબંધન સરકાર હતી.

નીતિશ કુમારે છેલ્લા કેટલાક દિવસોથી શરુ થયેલી રાજકીય હલચલ વચ્ચે પક્ષના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. જેમાં JD(U) એનડીએમાંથી એક્ઝિટ કરશે તેવો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ, નીતિશને ટેકો આપવા માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યો તૈયાર છે. નીતિશે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું પણ સોંપી દીધું હતું. નીતિશ કુમારને ટેકો આપવા મામલે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની પણ બેઠક થઈ હતી. જેમાં સર્વસંમતિએ તેજસ્વી યાદવને આ અંગે કોઈપણ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી.

રાજકીય નિરીક્ષકોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાના ધારાસભ્યોને તોડીને ઉદ્ધવ ઠાકરની સરકારને ઉથલાવી મૂકી હતી. આ રીતે ભાજપ બિહારમાં પણ નીતિશકુમારના પક્ષમાં ભાગલા પાડીને નીતિશકુમારની સરકારને ગબડી દેવાનો પ્રયાસ કરે તેવી આશંકા હતી. તેથી નીતિશકુમારે આ નિર્ણય કર્યો છે.