20% tax levied on forex payments by credit card in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી, આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર વિશ્વમાં સૌથી અવ્વલ ક્રમના છે, તો આ કોલ સેન્ટરો સાથે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ખરડાય એવા જંગી કૌભાંડ પણ ચાલી રહ્યા છે. ખાસ કરીને અમેરિકાના લોકોની સાથે વિવિધ બહાને ફ્રોડ દ્વારા નાણાં ખંખેરવાના કૌભાંડો લગભગ એક દસકા જેટલા સમયથી અવારનવાર ભારતના અખબારોના પાનાઓ પણ ચમકતા રહે છે. આઈટી અને ઈન્ટરનેટના વધી રહેલા વ્યાપ સાથે આ પ્રકારના કૌભાંડોમાં પણ સતત વધારો થતો રહ્યો છે.

છેલ્લે એક વર્ષમાં જ ભારતના નકલી કોલ સેન્ટર કૌભાંડ થકી અમેરિકન નાગરીકો પાસેથી રૂ. ૮૦,૦૦૦ કરોડ (અમેરિકન ડોલર્સમાં જોઈએ તો ૧૦ અબજ ડોલર) ખંખેરી લેવાયાનાે ચોંકાવનારો અહેવાલ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) દ્વારા અપાયો છે. હવે, આ મુદ્દે અમેરિકન સરકાર એટલી ચિંતિત છે કે તેણે ભારતની નવી દિલ્હી ખાતેની એમ્બેસીમાં એફબીઆઈના એક અધિકારીની ખાસ નિમણુક કરી છે. આ અધિકારી ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) અને વિવિધ રાજ્યોની પોલીસ સાથે મળી આવા કૌભાંડીઓને પકડી પાડવામાં મદદ કરી રહ્યા છે.

એફબીઆઈના અહેવાલ અનુસાર ટેકનોલોજીમાં સહાય કરવાના નામે (ટેક સપોર્ટ) કે રોમાન્સના નામે ફોન કરી કે વેબસાઈટ ઉપર પોપ-અપ મૂકી થતી છેતરપીંડીની ઘટનાઓમાં જ અમેરિકન નાગરીકો પાસેથી ત્રણ અબજ ડોલર (એટલે કે રૂ.૨૪,૦૦૦ કરોડ) ખંખેરી લેવાયા છે. ૨૦૨૧માં ભારતીય કોલ સેન્ટરો દ્વારા અમેરિકન નાગરીકો સાથે થયેલી કુલ છેતરપીડીની તુલનાએ ૨૦૨૨ના જાન્યુઆરીથી નવેમ્બરના ૧૧ મહિનામાં ૪૭ ટકાનો વધારો થયો છે અને હવે ફ્રોડનો આંકડો ૧૦ અબજ ડોલરનો થયો છે.

એફબીઆઈના ભારત ખાતેના અધિકારીએ જણાવ્યું હતું જે અમેરિકન નાગરીકો ફ્રોડનો ભોગ બને છે, તેમાંના મોટાભાગના કિસ્સામાં તેમની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધારે હોય છે. અમેરિકા માટે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો નથી પણ નાગરીકોની સંપત્તિનું રક્ષણ કરવાનો પ્રશ્ન છે અને ભારતની ઈજ્જત વિશ્વ સ્તરે ખરડાઈ રહી છે.

૨૦૨૧માં ભારત થકી થઇ રહેલા કૌભાંડો સામે અમેરિકાની એફબીઆઈને કુલ ૮.૫ લાખ ફરિયાદ મળી હતી અને એ સમયે લગભગ ૬.૯ અબજ ડોલરની રકમ આવા કેસોમાં ફ્રોડ કરનારાઓએ ખંખેરી હતી. 2022માં ૭.૮ લાખ ફરિયાદો હેઠળ અમેરિકાના લોકો સાથે ૧૦.૨ અબજ ડોલરની છેતરપીંડી થઇ હતી. અમેરિકન સરકારના આંકડા અનુસાર ટેક્નલોજી સપોર્ટના નામે અમેરિકન નાગરિકો પાસેથી રૂ. ૯,૦૦૦ કરોડની વસૂલાત કરવામાં આવી છે.

આ વર્ષે આવા કેસોમાં ૧૩૦ ટકાનો વધારો થયો છે. અમેરિકન નાગરીકો સાથે વધી રહેલી છેતરપીંડીના કારણે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરીકો સાથે થઇ રહેલા ફ્રોડના કારણે એફબીઆઈના એક ખાસ અધિકારી હવે નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીમાં નિમાયા છે, જે સીબીઆઈ અને ઇન્ટરપોલ સાથે મળીને કામ કરી રહ્યા છે. સીબીઆઈ કોલ સેન્ટર કે અન્ય પ્રકારના ગુન્હાની તપાસ કરે, તેમાં દરોડા પાડે કે તેના સંચાલકોની અટકાયત કરે ત્યારે એફબીઆઈ વધારે સારી રીતે સંકલન થાય, અમેરિકન સરકાર પાસેથી તરત જ માહિતી ઉપલબ્ધ બને અને કૌભાડીઓનો કોઈ સાગરિત અમેરિકામાં હોય તો તેના ઉપર પણ જલ્દીથી પગલાં લેવાય તેના માટે સાથે મળી કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

6 + twenty =