In the wake of massive protests in Israel, Netanyahu put judicial reform plans on hold

સમગ્ર ઇઝરાયેલમાં બે દિવસ સુધી પ્રચંડ જનાક્રોશને પગલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ન્યાયિક માળખમાં ધરમૂળથી ફેરફાર કરવાની યોજના વિલંબમાં નાંખવાની સોમવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજકીય હરીફો સાથે આ વિવાદાસ્પદ યોજના અંગે સમાધાન માટે થોડો સમય આપવા માગે છે.

આ યોજનાના વિરોધમાં લાખો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી હડતાળને કારણે રાજકીય કટોકટી સર્જાઇ હતી. હજારો લોકો સંસદની બહાર દેખાવો કરવા લાગ્યા હતા. અનેક સ્થળોએ સલામતી દળો સાથે ઘર્ષણ પણ થયું હતું. દેશભરમાંથી લોકો જેરુસેલમમાં પહોંચી જતાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. અગાઉ પ્રમુખ ઇસાક હેરઝોગે પણ સૂચિત કાયદાને અટકાવી દેવાની સરકારને વિનંતી કરી હતી. રાષ્ટ્રીય સલામતી પ્રધાન ઇત્માર બેન-જીવિરે સોમવારે જાહેરાત કરી હતી કે આ યોજના સંસદના ઉનાળાના સત્ર સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સત્ર 30 એપ્રિલે શરૂ થાય છે. જેને પગલે હરીફ જૂથો સાથે સમાધાનનો સમય મળી જશે.

મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જતી ફ્લાઇટો અટકાવી દેવાઇ હતી. મોલ અને યુનિવર્સિટીઓએ તેમના દરવાજા બંધ કરી દીધા હતી. ઇઝરાયેલના સૌથી મોટા વેપાર સંગઠને તેના આશરે 8,00,000 સભ્યોને બંધ રાખવાની હાકલ કરી હતી. જેને કારણે આરોગ્યસંભાળ, ટ્રાન્ઝિટ, બેન્કિંગ સહિતનાં ક્ષેત્રોની કામગીરી અટવાઇ ગઇ હતી.

સંસદની સામે પણ પ્રદર્શનકારીઓ આવી ગયા હતા. સંસદ અને સુપ્રીમ કોર્ટની આજુબાજુની ગલીઓ ભૂરા અને સફેદ ઇઝરાયેલી ધ્વજોથી ભરાઇ ગઇ હતી. તેલ અવીવ બાદ હૈફા જેવા શહેરોમાં પ્રદર્શનો થયા હતા.બેન્જામિન નેતાન્યાહૂએ રવિવારે સંરક્ષણ પ્રધાન યોઆવ ગૈલેંટને હટાવી દેતાં મામલો વધુ બગડ્યો હતો.

 

 

 

LEAVE A REPLY

twelve + thirteen =