60 foreign diplomats and Jaishankar danced to the beat of Garba

ભારત ખાતેના આશરે 60 વિદેશી રાજદ્વારીઓ અને ભારતના વિદેશ પ્રધાન જયશંકર વડોદરામાં 3 ઓક્ટોબરે વડોદરામાં નવરાત્રીના ગરબામાં સામેલ થયા હતા. મા અંબાની શક્તિ અને ઉપાસનાનું પર્વ હાલ આખું ગુજરાત ઉજવી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા આ નવરાત્રિ મહોત્સવની મજા માણવા માટે છઠ્ઠા નોરતે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશપ્રધાનોને લઇને વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પહોંચ્યા હતા. હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયેલા વિદેશી રાજદ્વારીઓ પણ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા.

ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓએ ગુજરાતના આ વાયબ્રન્ટ તહેવારના વખાણ કર્યા હતા. ભારત ખાતેના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર બેરી ઓ’ફરેલ જણાવ્યું હતું કે ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવું છુ. આ અદ્ભુત અનુભવ માટે હું દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ.

ભારત ખાતેના રશિયાના એમ્બેસેડર ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું પણ ખુબ મઝા આવી રહી છે ખુબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે.ભારત ખાતેના અફઘાનિસ્તાનના એમ્બેસેડર ફરીદ મુમુન્દઝય જણાવ્યું હતું કે આજે ગુજરાત આવીને ગુજરાતના લોકોને મળીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું અફઘાનિસ્તાન તરફથી તમામ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરુ છુ.

LEAVE A REPLY

one × one =