યુકે, અમેરિકા અને યુરોપના અનેક દેશોએ મોંઘવારી ડામવા માટે, આર્થિક મંદીની ચિંતા કર્યા વગર તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન હજુ પણ વ્યાજ દર વધારવા પડે એવી સ્થિતિ છે એવો સંકેત પણ આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે મોંઘવારી ડામવામાં નિષ્ફળતા મળે તો આકરાં પરિણામ ભોગવવા પડશે અને 2024 પહેલા વ્યાજ દર ઘટે એવી અપેક્ષા રાખવી નહી.

અમેરિકન ફેડરલ રિઝર્વની મોનેટરી પોલીસી કમિટીએ થોડા દિવસો પહેલા વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આ કેલેન્ડર વર્ષમાં સતત સાતમાં વધારા સાથે હવે અમેરિકામાં ફેડરલ વ્યાજનો દર ૧૫ વર્ષની ઉંચી સપાટી ૪.૨૫ -૪.૫૦ ટકા થઇ ગયો છે. ત્યારપછી યુરોપમાં શ્રેણીબદ્ધ વ્યાજ દરના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. સૌથી પહેલી જાહેરાત ટેક્સ હેવન ગણાતા સ્વિત્ઝરલેન્ડમાં થઇ હતી. અહીં વ્યાજ દર ૦.૫૦ ટકા વધારી ૧ ટકા કરવાની જાહેરાત થઇ હતી. આ પછી નોર્વેમાં ૦.૨૫ ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. નોર્વેમાં મોંઘવારીનો દર ૬.૫ ટકા જેટલો ઉંચો છે એટલે વ્યાજનો દર વધારી હવે ૨.૭૫ ટકા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ મોંઘવારી સામેની લડત પૂર્ણ નથી થઇ એવી દલીલ સાથે, ફુગાવો ઘટી રહ્યો હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત સપ્તાહે રેપો રેટ ૦.૩૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો હતો.

છેલ્લા ૪૧ વર્ષમાં સૌથી ઊંચા ફુગાવાના દરની ત્રસ્ત બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજનો દર ૦.૫૦ ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં વ્યાજનો દર આ વર્ષે સતત નવમી વખત વધારી હવે ૩.૫૦ ટકા કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડમાં રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ઊર્જાના વિક્રમી ભાવના કારણે ફુગાવો ઐતિહાસિક સપાટીએ છે. બીજી તરફ, રાજકીય અસ્થિરતા અને અર્થતંત્ર મંદીના આરે ઊભું હોવા છતાં ભવિષ્યમાં વધુ વ્યાજ દર વધારવા પડે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. બેંક ઓફ ઇંગ્લેન્ડમાં છ સભ્યોએ વ્યાજ દર ૦.૫૦ ટકા વધારવાની તરફેણ કરી હતી. બે સભ્યોએ વિરોધ કર્યો હતો અને એક સભ્યએ વધારે તીવ્ર એટલે કે ૦.૭૫ ટકા વધારાની તરફેણ કરી હતી.
યુરોપીયન યુનિયનની યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી)એ ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો અને હવે અહીં ટૂંકાગાળાના વ્યાજના દર બે ટકા થઇ ગયા છે. વ્યાજ દરનો વધારો આગલા ૦.૭૫ ટકા કરતા નરમ હતો પણ બેંકે આગામી દિવસોમાં હજુ વ્યાજ વધારવા પડે, મોંઘવારી સામેની લડત ચાલુ રહે એવી સ્પષ્ટ વાત પોતાના નિવેદનમાં કરી હતી.

LEAVE A REPLY

16 − 10 =