A volunteer uses a pulse oximeter to check the oxygen saturation of a man's blood before providing him oxygen support for free at a Gurudwara (Sikh temple), amidst the spread of coronavirus disease (COVID-19), in Ghaziabad, India, May 3, 2021. REUTERS/Adnan Abidi

ભારતમાં કોરોનાની બીજી લહેરથી ભયંકર સ્થિતિ ઊભી થઈ છે. હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાની અસાધારણ અછત ઊભી થઈ છે અને સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલે છે. આ બિહામણી સ્થિતિ વચ્ચે સોમવારે સતત 12 દિવસે કોરોનાના 3 લાખ કરતાં વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો 20 મિલિયન (1,99,25,604)ની નજીક પહોંચ્યો હતો. વિજ્ઞાનીઓ માને છે કે આગામી થોડા દિવસોમાં કોરોનાની પીક આવી જવાની ધારણા છે. દેશમાં પહેલી મેએ 4,01,993 નવા કેસની ટોચ બની હતી. બે મેએ આશરે 3.92 લાખ કેસ નોંધાયા હતા.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય સોમવારે સવારે આઠ વાગ્યે જણાાવ્યા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં આશરે 3.68 લાખ નવા કેસ નોંધાય હતા અને તેનાથી કુલ કેસનો આંકડો 19.93 મિલિયન થયો હતો. એક દિવસમાં નવા 3,417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 218,959 થયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 73 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં 56,647, કર્ણાટકમાં 37,733 અને કેરળમાં 31,959 કેસ નોંધાયા હતા. દસ રાજ્યોમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 34,13,642 થઈ હતી, જે કુલ કેસના 17.13 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ઘટીને 81.77 ટકા થયો હતો. દેશમાં અત્યાર સુધી આશરે 1.63 કરોડ લોકો કોરોનાથી રિકવર થયા છે, જ્યારે મૃત્યુદર કથળીને 1.10 ટકા થયો હતો.

મેડિકલ નિષ્ણાતો જણાવે છે કે 1.35 બિલિયનની વસતીના આ દેશમાં કોરોનાના વાસ્તવિક આંકડો સત્તાવાર આંકડા કરતાં 10 ગણો મોટો હોઇ શકે છે. જોકે આરોગ્ય મંત્રાલયના એ ડેટામાં આશા કિરણનું દેખાયું છે કે કુલ કોરોના ટેસ્ટની સરખામણીમાં પોઝિટિવ કેસ સોમવારે 15 એપ્રિલ પછી પ્રથમ વખત ઘટ્યા હતા.

સરકારને સલાહ આપતી વિજ્ઞાનીઓની ટીમના મેથેમેટિકલ મોડલ મુજબ ભારતમાં કોરોનાના કેસો 3-5મેએ ટોચ પર આવી જવાની શક્યતા છે. લગભગ છેલ્લાં એક પખવાડિયાથી દેશમાં અનેક વિસ્તારોમાં હોસ્પિટલો ઊભરાઈ ગઈ છે. મેડિકલ ઓક્સિજનની ભારે અછત છે. સ્મશાનગૃહોમાં વેઇટિંગ છે અને કોરોના દર્દીઓના પરિવારજનો સારવાર માટે રઝળી રહ્યાં છે.

ઓછામાં ઓછા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંબંધિત કોઇને કોઇ નિયંત્રણો લાદવામાં આવેલા છે. જોકે વડાપ્રધાન મોદીની સરકાર નેશનલ લોકડાઉન લાદવામાં ખચકાટ અનુભવે છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના એપિડેમિયોલોજિસ્ટ બી મુખરજીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે મારા માનવા મુજબ ઘરમાં જ રહેવાનો રાષ્ટ્રીય આદેશ અને મેડિકલ ઇમર્જન્સીની જાહેરાતથી જ હેલ્થકેર જરૂરિયાતની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

ભારતમાં કોરોનાના કેસમાં ઉછાળો 2014માં મોદીએ સત્તા સંભાળ્યા પછીની સૌથી મોટી રાષ્ટ્રીય કટોકટી બની છે. પાંચ રાજ્યોમાં માર્ચ અને એપ્રિલ દરમિયાન ચૂંટણીસભામાં જંગી મેદની, ધાર્મિક કાર્યક્રમો, કુંભમેળાનું આયોજન વગેરે માટે મોદીની ટીકા થઈ રહી છે. સરકારે રચેલા વૈજ્ઞાનિક સલાહકારોના એક ફોરમે માર્ચના પ્રારંભમાં નવા અને વધુ ચેપી વેરિયન્ટ અંગે સરકારને ચેતવણી હતી. આ ટીમના ચાર વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ વોર્નિંગ આપવામાં આવી હોવા છતાં મોદી સરકારે રાષ્ટ્રીય નિયંત્રણો લાદ્યા ન હતા.

રવિવારે 13 વિરોધપક્ષોના નેતાઓએ મોદીને એક પત્ર લખીને ફ્રી નેશનલ વેક્સીનેશન તાકીદે ચાલુ કરવાની તથા હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર્સમાં ઓક્સિજન સપ્લાયને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરી હતી. પહેલી મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના રસીકરણનો પ્રારંભ કરવાની મોદી સરકારે જાહેરાત કરી છે, પરંતુ વેક્સીનના અભાવે કેટલાંક રાજયો તેમના રસીકરણ અભિયાનને વિસ્તૃત બનાવી શક્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાા અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યો પાસે 10 મિલિયન વેક્સીન ડોઝ છે અને આગામી થોડા દિવસમાં બીજા બે મિલિયનનો સપ્લાય મળશે.

વિશ્વમાં સૌથી મોટો વેક્સીન ઉત્પાદક દેશ હોવા છતાં ભારત પાસે પોતાના નાગરિકોના રસીકરણ માટે પૂરતો સપ્લાય નથી. 1.4 બિલિયનની વસતિમાંથી માત્ર નવ ટકા લોકોને હજુ એક ડોઝ મળ્યો છે. ભારતને કોરોના કટોકટીમાં મદદ કરવા માટે વિદેશી સહાય આવી રહી છે. બ્રિટનને રવિવારે ભારતને વધુ 1,000 વેન્ટિલેટર્સ મોકલ્યા હતા.