નવી દિલ્હીમાં ગુરુવાર, 6 મે 2021ના રોજ ઓલ્ડ સીમાપુરી ક્રેમેશન ગ્રાઉન્ડમાં કોરોના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. (PTI Photo/Ravi Choudhary)

કોરોના વાયરસના કારણે ભારતમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના નિયંત્રણો હોવા છતાં નવા કેસ અને મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,188 નવા કેસ સામે આવ્યા હતા અને 3,915 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 4.14 લાખને પાર કરી ગયો હોય તેવું પહેલી વખત બન્યું છે. જ્યારે ત્રીજી વખત દેશમાં કોરોનાના નવા કેસએ 4 લાખનો આંકડો પાર કર્યો છે.
હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાની અભૂતપૂર્વ અછત વચ્ચે એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો હતો. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 2,34,083 થયો હતો અને કુલ કેસનો આંકડો વધીને 2,14,91,598 થયો હતો. શુક્રવાર સવાર સુધીમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 36,45,164 હતી, જે કુલ કેસના 16.96 ટકા થાય છે. અત્યાર સુધી આશરે 1,76,12,351 લોકો કોરોનાથી રિકવ થયા છે. મૃત્યુદર 1.09 ટકા રહ્યો હતો.

દેશમાં કુલ 3,915ના મોતમાંથી મહારાષ્ટ્રમાં 853, ઉત્તરપ્રદેશમાં 350, દિલ્હીમાં 335, કર્ણાટકમાં 328, છત્તીસગઢમાં 212, તમિલનાડુમાં 195 અને ગુજરાતમાં 123ના મોત થયા હતા.

અગાઉ બુધવારે દેશમાં કોરોનાના 4,12,618 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 30 એપ્રિલના રોજ 4,02,351 નવા કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તૈયારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જો ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થશે તો સરકાર પાસે તેમની સારવાર માટે શું પ્લાન છે તેવો સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું હતું કે, જો બાળકો સંક્રમિત થશે તો શું માતા-પિતા હોસ્પિટલમાં રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શું નવા ગ્રેજ્યુએટ ડોક્ટર અને નર્સને ત્રીજી લહેર દરમિયાન સેવામાં લઈ શકાય તેવો સવાલ પણ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી એક વખત વધારો થયો હતો.. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 62,194 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોનાનો મૃતકઆંક પણ ચિંતાજનક બન્યો છે. પ્રદેશમાં એક જ દિવસમાં 853 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજધાની મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 3,056 નવા કેસ સામે આવ્યા હતા.

દેશમાં નોંધાયેલા નવા કેસમાંથી 71.81 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાનનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં એક દિવસમાં 49,058 કેસ નોંધાયા હતા, જ્યારે કેરળમાં 42,464 કેસ નોંધાયા હતા.