NEW DELHI: OMICRON CASES IN INDIA : PTI

ભારતમાં શુક્રવારે કોરોનાના નવા કેસનો આંકડો ફરી એકવાર 7 મહિના પછી દૈનિક કેસ 1 લાખને વટાગી ગયો હતો.. દેશમાં 8 દિવસ પહેલા કોરોનાના દૈનિક કેસ 10,000થી નીચે રહેતા હતા. આ પહેલા ભારતમાં 1 લાખથી વધુ કેસ 6 જૂન 2021ના રોજ- 214 દિવસ પહેલા બીજી લહેર દરમિયાન નોંધાયા હતા. દેશમાં કોરોનાના કારણે દૈનિ્ક મોતની સંખ્યા પણ વધીને 302 થઈ હતી.

બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દેશમાં નવા 377 કેસ નોંધાયા હતા. તેનાથી ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 3,007 થઈ હતી. ઓમિક્રોન અત્યાર સુધી દેશના 27 રાજયોમાં ફેલાઈ ચુક્યો હતો. સૌથી વધુ કેસ 876 કેસ મહારાષ્ટ્રમાં છે. દિલ્હી 465 કેસ સાથે બીજા ક્રમે છે.

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,17,100 કેસ નોંધાયા હતા. અગાઉના દિવસે દેશમાં 90,889 નવા કેસ નોંધાયા હતા, આમ તેમાં આશરે 28 ટકાનો વધારો થયો હતો. આની સામે દેશમાં 24 કલાકમાં વધુ 30,836 દર્દીઓ સાજા થયા હતા અને 302નાં મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 7.74% થઈ ગયો હતો.

હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધીને 3,71,363 થયો હતો. કોરોનાની પહેલી લહેર દરમિયાન કોરોનાના નવા કેસનો આંકડો 10, 000થી 1 લાખ પહોંચતા 103 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે બીજી લહેર દરમિયાન સમયગાળો 47 દિવસનો રહ્યો હતો. જોકે, આ વખતે નવા કેસમાં વધારો થવાની ઝડપ પાંચ ગણી વધુ છે. બીજી લહેર દરમિયાન કોરોનાના દૈનિક કેસ 4 લાખ સાથે પીક પર પહોંચ્યા હતા.

ભારતમાં 28 ડિસેમ્બરથી કોરોનાના નવા કેસમાં વધારો થવાની શરુઆત થઈ છે, જે પછી 35 ટકાની ગતિએ કેસમાં વધારો નોંધાયો છે. આવામાં પાછલા બે દિવસથી અનુક્રમે 56.3% અને 56.5%નો કેસમાં વધારો નોંધાયો છે. આ સિવાય એક સકારાત્મક બાબત એ રહી છે કે કેસમાં વધારો થવા છતાં મૃત્યુઆંકમાં નજીવો વધારો થયો છે. બીજી લહેરમાં જે પ્રમાણે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો હતો તેવું શરુઆતના સમયમાં દેખાયું નથી. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી કપરી સ્થિતિ બનેલી છે, અહીં નવા કેસમાં ભારે ઉછાળો નોંધાયો હતો. અહીં ગુરુવારે વધુ 36,265 કેસ માત્ર એક જ દિવસમાં નોંધાયા હતા.