મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ ક્ષેત્રે એન્ડ્રોઈડ અને આઈઓએસ જેવી વૈશ્વિક ટેક્નોલોજી સામે ભારતે સ્વદેશમાં નવી ઓપરેટિંગ સીસ્ટમ વિકસાવી છે. ભારતના ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ તથા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં આઈઆઈટી-મદ્રાસ દ્વારા વિકસિત સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ ‘ભારOS’નું પરીક્ષણ કર્યું છે. આ નિમિત્તે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આઠ વર્ષ પહેલા જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝિટલ ઈન્ડિયા અંગે પ્રથમવાર વાત કરી હતી, તો કેટલાક મિત્રોએ તેની મજાક ઉડાવી હતી. પરંતુ આજે ટેકનોક્રેટ, ઈનોવેટર, ઉદ્યોગજગત તથા નીતિ ઘડનાર અને દેશની શૈક્ષણિક સંસ્થાઓએ પણ આઠ વર્ષે તેમના દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે.

આ અંગે ટેલીકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આ સફરમાં મુશ્કેલી આવશે અને વિશ્વભરમાં એવા કેટલાય લોકો છે, જે મુશ્કેલી ઉભી કરશે અને ઈચ્છશે કે આવી કોઈ સિસ્ટમ સફળ ના થાય. નવી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ‘ભારOS’, ગુપ્તતા અને સુરક્ષા પર ફોકસ કરે છે. આ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એવું સોફ્ટવેર છે, જેનો ઈન્ટરફેસ ગૂગલના એન્ડ્રોઇડ કે એપલના iOS જેવો હશે. સરકારી અને જાહેર સિસ્ટમોમાં ઉપયોગ કરવા માટે મફત ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ વિકસિત કરવા માટે ‘ભારOS’ને ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટને ભારત સરકારે આર્થિક મદદ કરી છે. પ્રોજેક્ટનું લક્ષ્ય સ્માર્ટફોનોમાં વિદેશ ઓપરેટિંગ સિસ્ટમો પર નિર્ભરતા ઘટાડવા અને દેશમાં વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું છે.

સ્વદેશી ઇકોલોજી તંત્ર અને આત્મનિર્ભર ભવિષ્ય બનાવવાની દિશામાં આ ઓપરેટિંગ સિસ્ટમ એક મોટી છલાંગ છે. ભારOS સેવા હાલ ફક્ત એ જ સંગઠનોને આપવામાં આવી રહી છે, જેમણે આકરા ગુપ્ત અને સુરક્ષા નિયમ લાગુ કર્યા છે અને જેના ઉપયોગકર્તાઓના મોબાઇલ ફોન પર પ્રતિબંધિત એપ્સ થકી ગુપ્ત કોમ્યુનિકેશન કરતી વખતે સંવેદનશીલ માહિતી સંભાળવાનો અનુભવ છે. ભારOS ને જેન્ડકે ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિડેટ દ્વારા બનાવવામાં આવી છે. જેને આઈઆઈટી મદ્રાસ દ્વારા સ્થાપિત કંપની આઈઆઈટી મદ્રાસ પ્રમોટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા વિકસિત કરાઈ છે.

LEAVE A REPLY

five × five =