India now has the largest share of ICC earnings
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગયા સપ્તાહે ટેસ્ટ ક્રિકેટ રમતા દેશો માટેનો ચાર વર્ષનો ફયુચર ટુર પ્રોગ્રામ (એફટીપી) જાહેર કર્યો છે, જે મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ (ડબ્લ્યુટીસી) ની બે સાઈકલની જાહેરાત કરવામાં આવી છે. આ બે – બે વર્ષની સાઈકલમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હવે એક-બીજા સામે પાંચ – પાંચ ટેસ્ટની સીરીઝ રમશે. 

આઈસીસીના પૂર્ણ કક્ષાના તમામ સભ્ય દેશોની તમામ સીરીઝ – ટેસ્ટ મેચ, વન-ડે તેમજ ટી-20ના કાર્યક્રમનો સમાવેશ આ એફટીપીમાં કરાયો છે, જે મુજબ કુલ 777 મેચ રમાશે. એમાં 173 ટેસ્ટ, 281 વન-ડે અને 323 ટી-20 મેચ રમાશે. ભારતમાં 2023માં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે તે પહેલા જ ભારતીય ટીમ 27 વન-ડે રમશે. 

ભારતીય ટીમ હાલમાં પુરી થયેલી ઝિમ્બાબ્વે સામેની વન-ડે સીરીઝ સહિત ઓગસ્ટ 2022 થી ફેબ્રુઆરી 2027 સુધીમાં કુલ 44 ટેસ્ટ મેચ, 63 વન-ડે અને 76 ટી-20 મેચ રમશે. આ ચાર વર્ષની સાઈકલમાં ઈંગ્લેન્ડ સૌથી વધુ, 22 ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા 21 અને ભારત 20 ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની આ બે સાઈકલમાં ત્રણ ટેસ્ટની પાંચ તથા બે ટેસ્ટની 19 સીરીઝ રમાશે. આ ગાળા દરમિયાન વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની એક-એક તથા બે ટી-20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની બે ફાઈનલ્સ પણ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ સિવાય પણ સભ્ય દેશો વચ્ચે દ્વિપક્ષી ટેસ્ટ સીરીઝના આયોજનોનો તેમાં સમાવેશ કરાયો છે. આઈસીસીએ પહેલીવાર મહિલા ક્રિકેટના એફટીસીની પણ જાહેરાત કરી હતી, જે મુજબ 2022 થી 2025 દરમિયાન વિવિધ ફોર્મેટની 300થી વધુ મેચ રમાશે. 

નવા ટુર પ્રોગ્રામમાં રીઝર્વ ટાઈમ પણ રખાયો છે, જે આઈપીએલ જેવી લીગ માટે અવકાશ આપે છે. આવતા વર્ષથી આઈપીએલ ટુર્નામેન્ટ અઢી મહિનાની રહેશે. 2023 થી 2025 સુધીમાં ભારતીય ટીમ 19 ટેસ્ટ રમવાની છે, તેમાં 10 ટેસ્ટ ઘરઆંગણે અને 9 ટેસ્ટ વિદેશમાં રમાશે.

ભારતનો બે વર્ષનો કાયક્રમ નીચે મુજબ છે.

– જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ 

– ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે સા.આફ્રિકામાં બે ટેસ્ટ 

– ઈંગ્લન્ડ સામે જાન્યુઆરી 2024માં ઘર આંગણે પાંચ ટેસ્ટ 

– બાંગ્લાદેશ સામે સપ્ટેમ્બર 2024માં ઘર આંગણે બે ટેસ્ટ 

– ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ઓક્ટોબર 2024માં 3 ટેસ્ટ મેચ 

– ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર 2024માં પાંચ ટેસ્ટ.