India to be among top three economies by 2047: Ambani
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફુગાવામાં વધારો, સપ્લાય ચેઇનના અવરોધ અને ભૂરાજકીય તંગદિલીની વચ્ચે વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિરના અંદાજને મંગળવારે ઘટાડીને 7.5 ટકા કર્યો છે. 2022-23ના નાણાકીય વર્ષ માટે વર્લ્ડ બેન્કે ભારતની જીડીપીની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હોય તેવું આ બીજી વખત બન્યું છે. આમ આ વૈશ્વિક નાણાસંસ્થાએ ભારતની જીડીપી વૃદ્ધિના અંદાજમાં ચાલુ વર્ષે 1.2 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે.

અગાઉ એપ્રિલમાં વર્લ્ડ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિ અંગેના તેના અંદાજને 8.7 ટકાથી ઘટાડીને સીધો 8 ટકા કર્યો હતો અને હવે તેને ચાલુ વર્ષે ભારતની જીડીપીમાં 7.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે. ભારતે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2022-12માં જીડીપીમાં 8.7 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ અંગેના તાજા રીપોર્ટમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે 2022-23ના વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ છે. મહામારી પછી સર્વિસ ક્ષેત્રમાં મજબૂત રિકવરી આવી હતી, પરંતુ ફુગાવામાં વધારો, સપ્લાય ચેઇનના અવરોધ અને ભૂરાજકીય તંગદિલીને કારણે આ આ અસર સરભર થઈ જશે. ભારતની આર્થિક વૃદ્ધિને ખાનગી ક્ષેત્ર અને સરકારના ફિકસ્ડ રોકાણથી સપોર્ટ મળશે. સરકારે બિઝનેસના વાતાવરણમાં સુધારો કરવા પ્રોત્સાહન આપ્યા છે અને આર્થિક સુધારા કર્યો છે. વર્લ્ડ બેન્કનો જીડીપી વૃદ્ધિનો અંદાજ તેના જ જાન્યુઆરીના અંદાજ કરતાં આશરે 1.2 ટકાનો ધરખમ ઘટાડો દર્શાવે છે.

વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે ભારતની આર્થિક વૃદ્ધિર 2023-24માં વધુ ઘટીને 7.1 ટકા થશે. જોકે ભારતનું અર્થતંત્ર લાંબા ગાળા માટે મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવે છે. ઇંધણથી લઇને શાકભાજી અને રાંધણ ગેસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં વધારાને પગલે એપ્રિલમાં દેશમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઉછળીને 15.08ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો પણ વધીને 7.79 ટકા થયો હતો, જે આઠ વર્ષના ઊંચા સ્તરની નજીક છે.

કારમી મોંઘવારીને કારણે રિઝર્વ બેન્કે ગયા મહિને એક ઇમર્જન્સી બેઠક યોજી હતી અને વ્યાજદરમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. બુધવારે વ્યાજદરમાં ફરીએકવાર વધારો થાય તેવી ધારણા છે.

એશિયન ડેવલમેન્ટ બેન્ક (એડીબી)નો અંદાજ મુજબ ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષે 7.5 ટકા વૃદ્ધિ નોંધાવશે. ભારતીય રિઝર્વ બેન્કે એપ્રિલમાં દેશની જીડીપી વૃદ્ધિના અંદાજને 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાથી ભારતના અર્થતંત્રને ફટકો પડે છે.

વર્લ્ડ બેન્કના રીપોર્ટ મુજબ 2022ના પ્રથમ છ મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો અને તેના પગલાં કોરોના નિયંત્રણો અને યુક્રેનમાં યુદ્ધને કારણે ભારતની વૃદ્ધિ ધીમી પડી હતી. ફુગાવામાં ઝડપથી વધારાને કારણે આર્થિક રિકવરી સામે અવરોધ ઊભા થયા છે. બેરોજગારીનો દર ઘટીને મહામારી પહેલાના સ્તરે આવ્યો છે, પરંતું શ્રમિકોની ભાગીદારી હજુ નીચે છે. મજૂરો નીચું વેતન આપતી રોજગારી તરફ વળ્યા છે.

વર્લ્ડ બેન્કે નોંધ્યું છે કે ભારતમાં સરકારના ખર્ચનો ફોકસ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ તરફ વળ્યો છે. શ્રમિક કાયદામાં સુધારો થઈ રહ્યો છે. ખોટ કરતાં જાહેર સાહસો વેચવામાં આવી રહ્યાં છે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રનું આધુનિકરણ થઈ રહ્યું છે.

વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે રીપોર્ટની પ્રસ્તાવનામાં લખ્યું છે કે સંખ્યાબંધ કટોકટી પછી લાંબા ગાળાની સમૃદ્ધિની સંભાવના ઝડપી આર્થિક વૃદ્ધિ તથા વધુ સ્થિર અને નિયમ આધારિત નીતિઓ પર નિર્ભર છે. એવું માનવાના ઘણા કારણો છે કે યુક્રેનમાં યુદ્ધ પૂરું થયા બાદ યુક્રેનના અર્થતંત્રનું પુનનિર્માણ કરવા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને ફરી વેગ આપવા વર્લ્ડ બેન્ક ગ્રૂપ સહિતના પ્રયાસો બમણા થશે. આ વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ઘટીને 2.9 ટકા થવાની ધારણા છે, જે 2021માં 5.7 ટકા હતી.

માલપાસે જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધને કારણે સપ્લાય અને વેપારમાં અવરોધોની સાથે એનર્જી અને ફૂડના ભાવમાં ઉછાળો તથા વ્યાજદરમાં વધારાને કારણે વૃદ્ધિદરના અંદાજમાં કાપ મૂકાયો છે.

અગાઉ વિશ્વની રેટિંગ એજન્સીઓ પણ  વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો હતો

વર્લ્ડ બેન્કના અંદાજ પહેલા વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પણ ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરી ચુકી છે. ગયા મહિને મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ફુગાવાને કારણે 2022ના કેલેન્ડર વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજને ઘટાડીને 8.8 ટકા કર્યો હતો. અગાઉ આ રેટિંગ એજન્સીએ 9.1 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ આપ્યો હતો. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગે પણ 2022-23ના વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરના અંદાજને અગાઉના 7.8 ટકાથી ઘટાડે 7.3 ટકા કર્યો હતો. માર્ચમાં ફિચે જીડીપી વૃદ્ધિદરના અંદાજને 10.3 ટકાથી ઘટાડીને સીધો 8.5 ટકા કર્યો હતો. આઇએમએફએ પણ તેના અંદાજને 9 ટકાથી ઘટાડીને 8.2 ટકા કર્યો છે.