ભારતમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની છે ત્યારે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 1 માર્ચ 2021ની સ્થિતિએ અંદાજે 9.79 લાખ કર્મચારીઓની જગ્યા ખાલી છે. કુલ 40.35 લાખ જગ્યાની મંજૂરીની સામે આટલા મોટા પ્રમાણમાં જગ્યાઓ ભરાઇ નથી. ભારત સરકારના ડો. પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં આપેલી માહિતી મુજબ ખર્ચ વિભાગના પે રીચર્સ યુનિટના વાર્ષિક અહેવાલ અનુસાર ગયા વર્ષના પહેલી માર્ચના રોજ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો-વિભાગો હેઠળ મંજૂર કરાયેલી જગ્યાઓ આશરે 40.35 લાખ હતી.
આ મંજૂરી કરવામાં આવેલી જગ્યાઓની સામે વિવિધ હોદ્દા પર આશરે 30.55 લાખ સરકારી કર્મચારીઓ કાર્યરત હતા. સરકારમાં હોદ્દાના સર્જન અને તેની જગ્યા ભરવાની જવાબદારી સંબંધિત મંત્રાલય-વિભાગોની છે અને તે સતત ચાલતી પ્રક્રિયા છે. તમામ મંત્રાલયો-વિભાગોને સમયબદ્ધ રીતે ખાલી હોદ્દા ભરવા માટે મિશન મોડના આધારે પગલાં લેવાનો અનુરોધ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દોઢ મહિનામાં મિશન મોડના આધારે 10 લાખ લોકોની ભરતી હાથ ધરવાની વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને ગયા મહિને સૂચના આપી હતી.