(ANI Photo)

એશિયા કપમાં સુપર ફોર રાઉન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમનો મંગળવારે સતત બીજો પરાજય થયો હતો અને તેની સાથે હવે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશવાનું ભારત માટે મુશ્કેલ બન્યું છે. ભારતીય ટીમે રોહિત શર્માના 72 રનની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 173 રન કર્યા હતા. આ ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમે ચાર વિકેટે એક બોલ બાકી હતો ત્યારે 174 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેતા છ વિકેટે મેચમાં વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 18 બોલમાં 33 રનની અણનમ ઈનિંગ રમી હતી અને બે વિકેટ પણ મેળવતા તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. લંકાના બન્ને ઓપનર પાથમ નિસંકા (52) અને કુસલ મેન્ડિસ (57)એ અડધી સદી ફટકારતા પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી હતી.

ભારત માટે હવે ફાઈનલ માટે ક્વોલિફાય કરવા કપરા ચઢાણ સાબિત થશે. બુધવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે સુપર ફોરની મેચ રમાશે. જો અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવમાં સફળ રહે છે અને ભારત ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની મેચ મોટા માર્જિનથી જીતશે તો નેટ રનરેટના આધારે ક્વોલિફાય કરી શકશે. અફઘાનિસ્તાનનો પાકિસ્તાન સામે પરાજય થતા જ ભારત માટે એશિયા કપમાં ફાઈનલમાં પહોંચવાનો દરવાજો બંધ થઈ જશે.

ભારતના 174 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે યોગ્ય રણનીતિ અમલમાં મૂકી હતી અને બન્ને ઓપનરની અડધી સદીની મદદથી શાનદાર શરૂઆત રહી હતી. ચરિથ અસાલંકા ત્રીજા ક્રમે શૂન્યમાં આઉટ થયો હતો. જ્યારે ધનુષ્કા ગુણતિલાકા પણ એક રને કરી પેવેલિયન પરત ફરતા શ્રીલંકાએ 110 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. જોકે ભાનુકા રાજપક્ષેના અણનમ 25 તથા કેપ્ટન દાસુન શનાકા 33 રન કરી નોટ આઉટ રહેતા તેમણે ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. શ્રીલંકાને અંતિમ બે ઓવરમાં જીતવા 21 રનની જરૂર હતી ત્યારે ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં બે વાઈડ અને બે ચોગ્ગા સહિત કુલ 14 રન આપ્યા હતા. જેને પગલે શ્રીલંકાને અંતિમ ઓવરમાં જીત માટે ફક્ત સાત રનની જરૂર હતી. અર્શદીપે અંતિમ ઓવરમાં ચુસ્ત બોલિંગ કરી હતી પરંતુ તેમ છતાં શ્રીલંકાને રોકવામાં ભારતીય બોલર્સ વધુ એક વખત નિષ્ફળ ગયા હતા.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં 72 રનની આક્રમક ઈનિંગ રમી હતી પરંતુ તેની મહેનત એળે ગઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું નિમંત્રણ આપ્યું હતું. કે એલ રાહુલ છ રન પર એલબીડબલ્યુ આઉટ થતા વધુ એક વખત મોટી ઈનિંગ રમી શક્યો નહતો. વિરાટ કોહલી શૂન્યમાં બોલ્ડ થયો હતો. રોહિત અને સુર્યકુમાર યાદવ (34) વચ્ચે ત્રીજી વિકેટ માટે 97 રનની મહત્વની પાર્ટનરશિપ થઈ હતી. હાર્દિક અને પંત બન્નેએ 17-17 રનનું યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

eight + seven =