પ્રતિકાત્મક તસવીર (istockphoto)

 ભારતના ગૃહ મંત્રાલયે વિદેશી યોગદાન (નિયમન) ધારા (FCRA)ના કેટલાંક નિયમોમાં સુધારા કર્યા છે. આનાથી ભારતના લોકો સત્તાવાળાને માહિતી આપ્યા વગર વિદેશમાં રહેતા તેમના સગાં સંબંધીઓ પાસેથી એક વર્ષમાં રૂ.10 લાખ સુધીની રકમ મેળવી શકશે. અગાઉ આ મર્યાદા વાર્ષિક રૂ.1 લાખ હતી.

એક જાહેરનામું જારી કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે જો રૂ.10 લાખથી વધુની રકમ હશે તો સંબંધિત વ્યક્તિઓએ સરકારને 90 દિવસમાં માહિતી આપવાની રહેશે. અગાઉ 30 દિવસમાં સરકારને માહિતી આપવી પડતી હતી. ગૃહ મંત્રાલયે શુક્રવારની રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત આ નિયમો નોટિફાઇ કર્યા છે.

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર “વિદેશી યોગદાન (નિયમન) રૂલ્સ, 2011ના રૂલ 6માં ‘એક લાખ રૂપી’ની જગ્યાએ ‘દસ લાખ રૂપી’ શબ્દોનો તથા ‘30 દિવસની’ જગ્યાએ ‘ત્રણ મહિના’ શબ્દોનો ઉમેરો કરવામાં આવશે.” નિયમ-6 સગા-સંબંધીઓ પાસેથી વિદેશી ફંડ્સ મેળવવાની માહિતી આપવા સંબંધિત છે.

એ જ રીતે નિયમ-9માં ફેરફાર કરાયો છે. આ નિયમ વિદેશી ફંડ્સ મેળવવા માટે FCRA હેઠળ રજિસ્ટ્રેશન કે પૂર્વ મંજૂરી મેળવવાની અરજી સંબંધિત છે. આ નિયમોમાં સુધારા મુજબ વ્યક્તિઓ અને સંગઠનો અથવા એનજીઓ આવા ફંડ્સના ઉપયોગ માટેના બેન્ક એકાઉન્ટ અંગે 45 દિવસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી શકે છે. અગાઉ 30 દિવસની અંદર આવી માહિતી આપવી પડતી હતી.

કેન્દ્ર સરકારે રૂલ 13ની જોગવાઈ ‘b’ને પણ દૂર કરી છે, જે મુજબ સરકારની વેબસાઇટ પર દર ક્વાર્ટરે દાતાની વિગત, પ્રાપ્ત થયેલી રકમ, તેની તારીખ સહિત વિદેશી ફંડ્સની વિગતો જાહેર કરવી પડતી હતી.

હવે FCRA હેઠળ વિદેશી ફંડ્સ મેળવle કોઇપણ વ્યક્તિ કે સંગઠને નાણાકીય વર્ષ પૂરું થવાનe નવ મહિનામાં વિદેશી યોગદાનની પ્રાપ્તિ અને ઉપયોગ અંગેના એકાઉન્ટના ઓડિટેડ સ્ટેટમેન્ટ સત્તાવાર વેબસાઇટ અથવા કેન્દ્રે નક્કી કરેલી વેબસાઇટ પર મૂકવાના રહેશે. એપ્રિલથી શરૂ થતાં દરેક નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચ, રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ અને બેલેન્સશીટ સહિતની બાબતો આ ઓડિટેડ સ્ટેટમેન્ટમાં સમાવેશ કરવાનો રહેશે.

વિદેશી ફંડ્સ મેળવતા એનજીઓ કે વ્યક્તિ દ્વારા દર ક્વાર્ટરે આવા યોગદાનની જાહેરાત કરવાની જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે. વિદેશી ફંડ્સ મેળવતા સંગઠનોની બેન્ક એકાઉન્ટ, નામ, સરનામું અથવા ચાવીરુપ સભ્યોમાં ફેરફારના કિસ્સામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની માહિતી આપવા માટે 45 દિવસનો સમય આપ્યો છે. અગાઉ 15 દિવસમાં આવી માહિતી આપવી પડતી હતી.

ગૃહ મંત્રાલયે નવેમ્બર 2020માં એફસીઆરએ નિયમો કડક બનાવ્યા હતા અને બંધ, હડતાલ, રોડ બ્લોકેડ જેવા રાજકીય પગલાંમાં સંકડાયેલા એનજીઓ માટે વિદેશી ફંડ્સ મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. આવી કેટેગરી હેઠળ આવરી લેવાયેલા સંગઠનોમાં ખેડૂત સંગઠન, વિદ્યાર્થી-કામદાર સંગઠન કે જ્ઞાતિ આધારિત સંગઠનોને આવરી લેવાયા હતા.

નવા નિયમોમાં સરકારે કર્મચારી માટે વિદેશી ફંડ્સ મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને એનજીઓના દરેક હોદ્દેદારો માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. નવા નિયમો મુજબ વિદેશી ફંડ્સ મેળવતા સંગઠનો 20 ટકાથી વધુ ફંડ્સ વહીવટી હેતુ માટે કરી શકશે નહીં. 2020 પહેલા આ મર્યાદા 50 ટકા હતી.