ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ અને નાણાકીય ક્ષેત્રની સ્થિરતાના પગલે ભારત 2022-23માં 7 ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતુ અગ્રણી અર્થતંત્ર બની રહેશે.

એક કાર્યક્રમાં દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે કે દેશના બેન્કિંગ અને નોન બેન્કિંગ ક્ષેત્રોના સમર્થન સાથે ભારતનું અર્થતંત્ર પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. સમગ્ર વિશ્વએ અનેક આંચકાઓનો સામનો કર્યો છે અર્થતંત્રને કોરોના મહામારી, યુક્રેન યુદ્ધ અને હવે ફાઇનાન્શિયલ માર્કેટની ઉથલપાથલ એમ ત્રણ આંચકાનો સામનો કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ફાઇનાન્શિયલ ક્ષેત્રની ઉથલપાથલનું મુખ્ય કારણ વિશ્વની મધ્યસ્થ બેન્કોએ દ્વારા આકરી નાણા નીતિ છે. ખાસ કરીને અમેરિકાની ફેડની આગેવાની હેઠળ વિકસિત દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો છે અને તેની માંઠી અસર ભારત સહિતના ઊભરતા બજારોના અર્થતંત્રોને થઈ રહી છે. આ પ્રકારની ઉપરા છાપરી ઉથલપાથલથી યુરોપિયન યુનિયન મંદીની સ્થિતિનો સામનો કરી રહ્યું છે, પરંતુ એવી શક્યતા છે કે મંદીને તેઓ ટાળશે. અમેરિકામાં સ્થિરતા છે, પરંતુ બીજા દેશોમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી છે.

ભારત અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રનો સવાલ છે ત્યાં સુધી એકંદર આર્થિક ફંડામેન્ટલ, ફાઇનાન્શિયલ સેક્ટરની સ્થિરતા એમ તમામ પાસાં પ્રતિકાર ક્ષમતા દર્શાવી રહ્યાં છે. બેન્કિંગ ક્ષેત્ર સ્થિર છે, કારણ કે બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપનીઓના સંદર્ભમાં તમામ માપદંડ સ્થિર છે. આ પરિપ્રેક્ષ્યમાં આર્થિક વૃદ્ધિના આંકડા સારા દેખાય છે.

તેમણે જણાવ્યું હતું કે “અમારો અંદાજ છે કે ભારત લગભગ 7 ટકા વૃદ્ધિ પામશે. IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારત ચાલુ વર્ષમાં આશરે 6.8 ટકા વૃદ્ધિ પામશે અને તે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં મૂકે છે. જોકે ભારત સામે ફુગાવો મોટો પડકાર છે. ખાદ્યાન્ન અને ઊર્જાના ઊંચા ભાવને કારણે સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 7.4 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 7 ટકા હતો.

તેમણે જણાવ્યું હતું કે અમારી ધારણા છે કે સોમવારે જારી થનારો ઓક્ટોબરનો ફુગાવો 7 ટકાથી નીચો રહેશે. તેથી ફુગાવો ચિંતાનું કારણ છે અને તેની સામે અમે હાલમાં અસરકારક લડાઈ લડી રહ્યાં છીએ.

LEAVE A REPLY

seventeen − 9 =