ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવાર, ચાર મે 2021ના રોજ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. (PTI Photo) **EDS: IMAGE POSTED BY @MEAIndia** New Delhi:

બ્રિટન અને ભારત વચ્ચે મંગળવારે કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ આપી છે. તેના બદલામાં, યુકે દર વર્ષે 3,000 યુવા ભારતીય પ્રોફેશનલ્સ માટે એમ્પ્લોયમેન્ટની તકો આપશે.

ભારતના વિદેશ મંત્રાલયના અધિકારી સંદીપ ચક્રવર્તીએ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતાં કહ્યું હતું કે, યુકેમાં વસતા કોઈપણ ભારતીય નાગરિક પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય, તેઓ ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલીમાં હોય અથવા તો તેમને તેમનું નાગરિકત્ત્વ કે રેસિડેન્સી પરમિટ અપાતા ના હોય, તો તેમને પાછા ભારત લાવવા આપણી પવિત્ર ફરજ છે.

ગેરકાયદે માઈગ્રન્ટ્સનો મુદ્દો બન્ને દેશો વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ઘર્ષણનું કારણ બન્યો હતો. એ વખતે બ્રિટને એવો દાવો કર્યો હતો કે લગભગ એક લાખ જેટલા ભારતીયો ગેરકાયદે માઈગ્રન્ટ તરીકે યુકેમાં વસવાટ કરી રહ્યા છે. ભારતે આ આંકડા સ્વિકાર્ય નહીં હોવાનું જણાવ્યું હતું.