અમેરિકન એડમિનિસ્ટ્રેશનના મુખ્ય કેન્દ્ર એવા વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર અને દેશના જાણીતા તબીબ ડો. એન્થની ફૌસીએ કોરોના રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવા માટેના ભારતના નિર્ણયને આવકાર્યો છે. આ ઉપરાંત તેમણે ભારતમાં રસીના ઉત્પાદનની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ડો. ફૌસીએ જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે જે સ્થિતિ છે તેમાં વધારેને વધારે લોકો સુધી રસી પહોંચાડવાની જરુર છે. રસીના ડોઝ વચ્ચેનો અંતર વધારવાનો નિર્ણય પણ યોગ્ય રીતે લીધો છે. ડોઝ વચ્ચેનું અંતર લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક છે અને તેની કોઈ આડ અસર થાય તેવી શક્યતા ઓછી જ છે.
ડો. ફૌસીએ ભારતને એવી પણ સલાહ આપી છે કે, ભારતે ટૂંક સમયમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનો ઉપયોગ પણ શરુ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સરકારના કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણ પછી ભારત સરકારે રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનુ અંતર 12થી 16 સપ્તાહનુ કર્યુ છે. અગાઉ આ અંતર 6થી 8 સપ્તાહનું હતું. આ નિર્ણય કોવિશીલ્ડ માટે કરાયો છે પણ કોવેક્સીનના બે ડોઝ વચ્ચેનો ગેપ વધારવાની કોઈ ભલામણ કરાઈ નથી.
ભારતના નીતિ આયોગના સભ્ય ડો.પોલે પણ કહ્યું હતું કે, અંતર વધારવાની ભલામણ કાળજીપૂર્વક અને ઘણા અભ્યાસ કર્યા પછી રકવામાં આવી છે. તેની માટે કોઈ દબાણ પણ જવાબદાર નથી. આ અંગે નિર્ણય કરતા અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.