ભારતમાં કોરોનાનું સંક્રમણ ધીરેધીરે ઓછું થઇ રહ્યું છે સરકારે વિદેશ જતા મુસાફરો માટે કોવિડ રસીના પ્રીકોશન ડોઝના નિયમો સરળ બનાવ્યા કર્યા છે. ભારત ગુરુવારે વિદેશની મુસાફરી કરી રહેલા નાગરિકોને બીજા ડોઝ પછી નવ મહિનાની નિર્ધારિત મુદત પહેલાં પ્રીકોશન ડોઝ લેવાની મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રાલયનો વિદેશી મુસાફરો માટે પ્રીકોશન ડોઝના નિયમોમાં ઢીલ આપવાનો નિર્ણય નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI)ની ભલામણો પર આધારિત છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટિ્વટ કર્યું હતું કે, ‘વિદેશ જઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો હવે તેમની મુસાફરીના દેશની માર્ગદર્શિકા મુજબ પ્રીકોશન ડોઝ લઇ શકશે. કોવિન પોર્ટલ પર આ નવી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.’ ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સલાહકાર સમિતિએ અન્ય દેશની મુસાફરી કરી રહેલા લોકોને એ દેશની સૂચના મુજબ નવ મહિના અગાઉ પ્રીકોશન ડોઝની મંજૂરી માટે ભલામણ કરી હતી. અત્યારે 18 કે તેથી વધુ વયના તમામ લોકો બીજા ડોઝ પછી નવ મહિને પ્રીકોશન ડોઝ લઈ શકે છે.
WHOના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. માત્ર અમેરિકા અને આફ્રિકામાં આ કેસમાં વધારો નોંધાયો છે. ગત બુધવારે જાહેર થયેલા કોરોનાના સાપ્તાહિક રીપોર્ટમાં WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં નવા 35 લાખ કેસ અને 25 હજારથી વધુ મૃત્યુ થયા છે. તે અનુક્રમે 12 ટકા અને 25 ટકાનો ઘટાડો દર્શાવે છે. સંક્રમણમાં ઘટાડાની શરૂઆત માર્ચમાં થઈ હતી. જોકે, ઘણા દેશોએ ટેસ્ટિંગ અને સર્વેલન્સના કડક નિયંત્રણ હળવા કર્યા હોવાથી કેસની સાચી ગણતરી મુશ્કેલ બની હતી.