India and West indies
(ANI Photo/ICC Twitter)

રવિવારે (7 ઓગસ્ટ) પુરી થયેલી ભારતીય ક્રિકેટ ટીમની વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સીરીઝમાં ભારતે બીજી મેચમાં પરાજય પછી સતત ત્રણ – ત્રીજી, ચોથી અને પાંચમી ટી-20 મેચમાં વિજય સાથે સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 4-1થી હરાવ્યું હતું. છેલ્લી બન્ને મેચ સળંગ બે દિવસ, શનિવારે અને રવિવારે અમેરિકાના ફ્લોરિડામાં લોડરહિલ ખાતે યોજાઈ હતી. 

રવિવારની છેલ્લી મેચની એક વિશિષ્ટતા એ હતી કે ભારત તરફથી તમામ 10 વિકેટ સ્પિનર્સે લીધી હતી, જે કોઈપણ ફોર્મેટમાં બહુ લાંબા સમયે બનેલી ઘટના ગણી શકાય. ભારતના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને ભારતે 7 વિકેટે 188 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે સૌથી વધુ, 64 અને દીપક હુડાએ 38 રન કર્યા હતા. ઓડીઅન સ્મિથે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ – 3 વિકેટ લીધી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 16મી ઓવરમાં જ 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હેટમાયરે 56 રન કર્યા હતા, તે સિવાયના કોઈ બેટ્સમેનનું કોઈ નોંધપાત્ર પ્રદાન રહ્યું નહોતું. ભારત તરફથી રવિ બિશ્નોઈએ સૌથી વધુ – ચાર વિકેટ લીધી હતી, તો અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ખેરવી હતી. 

આ મેચમાં ત્રણ ઓવરમાં એક મેઈડન સાથે 15 રન આપી ત્રણ વિકેટ લેનારા અક્ષર પટેલને પ્લેયર ઓફ ધી મેચ તથા યુવા, નવોદિત ઝડપી બોલર અર્શદીપ સિંઘને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. આ મેચમાં રેગ્યુલર સુકાની રોહિત શર્માને આરામ અપાયો હતો. 

ચોથી ટી-20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 59 રને હરાવ્યુઃ શનિવારે રમાયેલી ચોથી ટી-20માં પણ ભારતે પહેલા બેટિંગ કરી પાંચ વિકેટે 191 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લી ઓવરમાં 132 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વરસાદે પણ વિક્ષેપ કર્યો હતો. 

ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 44 રન કર્યા હતા, તો રોહિત શર્માએ 33 અને સંજુ સેમસને 30 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે 24-24 રન કર્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ 3 વિકેટ તથા આવેશ ખાનઅક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. 

ભારતનો ત્રીજી ટી-20માં 7 વિકેટે વિજયઃ સેન્ટ કિટ્સમાં ગયા સપ્તાહે મંગળવારે (02 ઓગસ્ટ) રમાયેલી ત્રીજી ટી-20માં ભારતે યજમાન વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું અને કેરેબિયન ટીમે પાંચ વિકેટે 164 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. બ્રેન્ડન કિંગે 50 બોલમાં 73 રન કર્યા હતા. 

તેના જવાબમાં ભારત 19મી ઓવર પુરી થતાં જ ફક્ત ત્રણ વિકેટે 165 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 76 રન કરી ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો, તો ઋષભ પંતે પણ 26 બોલમાં 33 રન કર્યા હતા. યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.