India won the T-20 series by defeating Australia by 6 wickets
(ANI Photo)

સીરીઝની પહેલી મેચમાં નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગના કારણે પરાજય પછી બીજી અને ત્રીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને રસાકસીભર્યા મુકાબલામાં હરાવી 9 વર્ષ પછી પોતાની ધરતી ઉપર પ્રવાસી ટીમને ફરીવાર ટી-20 સીરીઝમાં શિકસ્ત આપી હતી. 

રવિવારે હૈદ્રાબાદમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી, નિર્ણાયક મેચમાં સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 186નો પડકારજનક સ્કોર કર્યો હતો. જો કે, તેના ઓપનર્સ કેમરન ગ્રીન અને સુકાની એરોન ફિંચે, ખાસ કરીને ગ્રીને જબરજસ્ત ઝંઝાવાતી શરૂઆત કરી હતી, તે જોતાં તો એવું લાગતું હતું કે, પ્રવાસી ટીમ આસાનીથી 200થી વધુ રન ખડકી દેશે. ગ્રીને 21 બોલમાં 52 રન ઝુડી નાખ્યા હતા. ચોથી ઓવરમાં ફિંચ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 44 રન અને પાંચમી ઓવરના અંતે ગ્રીન આઉટ થયો ત્યારે 62 રન થયો હતો. પણ એ પછી ભારતીય ટીમે ધીમે ધીમે બાજી સંભાળી લીધી હતી. ગ્લેન મેક્સવેલ વિસ્મયજનક રીતે રનાઉટ થયો હતો, તો ટીમ ડેવિડે 27 બોલમાં 54 અને જોસ ઈંગ્લિસે 22 બોલમાં 24 રન કર્યા હતા. ડેનિયલ સેમ્સ 20 બોલમાં 28 કરી અણનમ રહ્યો હતો. 

ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી અને મેક્સવેલને રનાઉટ પણ તેણે જ કર્યો હતો. તે સિવાય, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી.  

એ પછી ભારતે ઓપનર્સ કે. એલ. રાહુલ તથા સુકાની રોહિત શર્માની વિકેટ તો સસ્તામાં ગુમાવી હતી, પણ વિરાટ કોહલી અને ખાસ તો સૂર્યકુમાર યાદવે પણ ધમાકેદાર બેટિંગ કરી ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલો કોહલી ધીમું રમ્યો હતો પણ તેણે સૂર્યકુમારને બરાબર સાથ આપ્યો હતો. યાદવે 36 બોલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્સા સાથે 69 રન રન રેટ બરાબર નિયંત્રણમાં રાખ્યો હતો, તો કોહલીએ 48 બોલમાં 63 રન કર્યા હતા અને તે છેલ્લી ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતને ચાર બોલમાં પાંચ રન કરવાના બાકી હતી. 

સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધી મેચ તથા અક્ષર પટેલને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા. આ રીતે, ભારતે ફક્ત એક બોલ બાકી હતો ત્યારે, ચાર વિકેટે 187 રન કરી રસાકસીભર્યા જંગમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો. 

નાગપુરમાં વરસાદના વિઘ્ન છતાં ભારતનો છ વિકેટે વિજયઃ એ અગાઉ શુક્રવારે નાગપુરમાં બીજી ટી-20માં વરસાદે વિધ્ન ઉભું કર્યું હતું અને મેચ ધોવાઈ જાય તેવું લાગતું હતું, પણ 8-8 ઓવરની મેચ શક્ય બની હતી અને તેમાં ભારતે અક્ષર પટેલ અને રોહિત શર્માના શાનદાર દેખાવ સાથે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. 

પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 90 રનનો પડકારજનક સ્કોર તો કર્યો હતો, પણ રોહિત શર્માએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ 46 કરી ટીમ અને પોતાના માટે મહત્ત્વનો વિજય હાંસલ કર્યો હતો. 

અક્ષર પટેલે જોખમી ગણાતા ગ્લેન મેક્સવેલને ઈનિંગની બીજી ઓવરમાં તેની ઈનિંગના પહેલા જ બોલે વિદાય કરી દીધો હતો તો એ પછી  ટીમ ડેવિડને પણ ફક્ત બે રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે આ રીતે પોતાની બે ઓવરમાં ફક્ત 13 રન આપી બે વિકેટ લીધી હતી. વિકેટકીપર મેથ્યુ વેડ ભારતને બહુ મોંઘો પડ્યો હતો, તેણે 20 બોલમાં અણનમ 43 કર્યા હતા. રોહિત શર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

એડમ ઝામ્પાએ બે ઓવરમાં 16 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. 

પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનો ચાર વિકેટે વિજયઃ મંગળવારે (20મી) પંજાબના મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં છ વિકેટે 208 રનનો વિશાળ સ્કોર કર્યા છતાં નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગના કારણે ઓસ્ટ્રેલિયા આ વિશાળ ટાર્ગેટ પણ હાંસલ કરી ગયું હતું. 

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ફક્ત 30 બોલમાં અણનમ 71 રનની ઝમકદાર ઈનિંગ (પાંચ છગ્ગા અને સાત ચોગ્ગા) સાથે ટીમના 208 રનના સ્કોરમાં મુખ્ય ફાળો આપ્યો હતો, તો કે. એલ. રાહુલે 35 બોલમાં 55 તથા સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 46 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 3, જોસ હેઝલવુડે 2 અને કેમરન ગ્રીને એક વિકેટ લીધી હતી. 

જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પણ ખૂબજ આક્રમક બેટિંગ કરી છેલ્લી ઓવરમાં ચાર બોલ બાકી હતા ત્યારે ટાર્ગેટ હાંસલ કર્યો હતો. કેમરન ગ્રીને 30 બોલમાં 61 રન તથા મેથ્યુ વેડે 21 બોલમાં અણનમ 45 રન કરી ટીમને વિજેતા બનવામાં મુખ્ય પ્રદાન કર્યું હતું, તો ભારતે ગ્રીનના બે કેચ તથા ગ્લેન મેક્સવેલનો એક કેચ છોડી તેમને મદદ કરી હતી. 

ભારત તરફથી અક્ષર પટેલે ચાર ઓવર્સમાં ફક્ત 17 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી, પણ તેનો આ વેધક બોલિંગ સાથેનો દેખાવ એળે ગયો હતો. ભૂવીની ચાર ઓવરમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ 52 તથા ઉમેશ યાદવની બે ઓવરમાં 27 રન ઝુડી નાખ્યા હતા, તો હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ પણ ઝુડાયા હતા. કેમરન ગ્રીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  

LEAVE A REPLY

twenty − 13 =