India won an ODI series at home against South Africa after 12 years
(ANI Photo)

ભારતના સ્પિનર્સના શાનદાર દેખાવની મદદથી ભારતે મંગળવાર 11 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાને અંતિમ અને નિર્ણાયક વન-ડે મેચમાં 7 વિકેટે પરાજય આપી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. સમગ્ર શ્રેણીમાં પાંચ વિકેટ ઝડપનારમોહમ્મદ સિરાજ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો

ભારતની સ્પિન ત્રિપૂટી સુંદર (બે વિકેટ), શાહબાઝ (બે વિકેટ) અને કુલદીપ (ચાર વિકેટ)ના તરખાટ સામે સાઉથ આફ્રિકાના ટોચના બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા અને ટીમ માત્ર 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 105 રન કરીને આસાન વિજય નોંધાવ્યો હતો.

રોહિતની કપ્તાનીમાં ભારતે અગાઉ ટી-20માં પણ દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમનો બેટિંગમાં ધબડકો થયો હતો. ભારતના ટોચના ત્રણ સ્પિનર્સે મળીને આફ્રિકાની આઠ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 18 રન આપીને સૌથી વધુ ચાર વિકેટ મેળવતા તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામે શ્રેણી હારતા હવે આગામી વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપમાં તેના સીધા ક્વોલિફિકેશન સામે પણ જોખમ ઉભું થયું છે.ભારતના કાર્યકારી કેપ્ટન શિખર ધવનના નેતૃત્વમાં ઘરઆંગણે સૌપ્રથમ શ્રેણી જીત રહી હતી. અગાઉ ધવનના નેતૃત્વમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત સિરીઝ જીત્યું હતું. બીજીતરફ દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વન-ડેમાં ડેવિડ મિલરને કપ્તાન બનાવતા ત્રણેય વન-ડેમાં અલગ અલગ ખેલાડીને કેપ્ટનશિપ સોંપી હતી.

ભારતના બીજી હરોળના યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલે પોતાની લય પ્રાપ્ત કરી હતી અને તે 49 રન કરી આઉટ થયો હતો. શ્રેયસ ઐયર બીજી મેચમાં સદી ફટકાર્યા બાદ નિર્ણાયક વન-ડેમાં પણ પોતાના ફોર્મને આગળ ધપાવતા 28 રન કરી નોટ આઉટ રહ્યો હતો. શિખર ધવન (8) રન કમનસીબે રનઆઉટ થયો હતો જ્યારે ઈશાન કિશન 10 રન કરી આઉટ થતા મોટી ઈનિંગ રમી શક્યો નહતો.

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. વરસાદને પગલે મેચમાં અડધો કલાક વિલંબ થયો હતો પરંતુ ઓવરમાં ઘટાડો કરાયો નહતો. દિલ્હીની પીચ ધીમી અને લો બાઉન્સ હોવાથી સ્પિનર્સને ખાસ ફાયદો થયો હતો. કુલદીપ યાદવે ફેલુક્વાયો (5), યેન્સેન (14), ફોર્ચ્યુન (1) અને નોર્ત્જે (શૂન્ય)ને પોતાના શિકાર બનાવ્યા હતા. પ્રોટીઝ ટીમમાંથી હેનરિચ ક્લાસેન 34 રનનો સર્વોચ્ચ સ્કોર નોંધાવી શક્યો હતો. ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપતા આફ્રિકાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યું હતું.

LEAVE A REPLY

12 + 17 =