અમદાવાદમાં શનિવારે પુરી થયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવી ત્રીજા જ દિવસે ભવ્ય વિજય મેળવ્યો હતો તેમજ ચાર ટેસ્ટ મેચની સીરીઝ પણ 3-1થી જીતી લીધી હતી. અગાઉની ત્રીજી ટેસ્ટ મેચ તો ફક્ત બે જ દિવસમાં પુરી થઈ ગઈ હતી. આ મેચમાં પણ ભારતીય સ્પિનર્સ, ખાસ કરીને અક્ષર પટેલ અને રવિચન્દ્રન અશ્વિન છવાયેલા રહ્યા હતા.

આ સીરીઝ વિજય સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સમાં પ્રથમ સ્થાન રહ્યું હતું.આ મેચમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને પહેલી ઈનિંગમાં તે 205 રન કરી શકી હતી. તેના જવાબમાં ભારતીય ટીમે 365 રન કરતાં 160 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સના 55 તથા ડેન લોરેન્સના 46 રન મુખ્ય હતા. ભારત તરફથી અક્ષર પટેલે ચાર, અશ્વિને 3, મોહમદ સિરાજે બે તથા વોશિંસ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ પહેલા જ દિવસે 76મી ઓવરમાં પુરી થઈ ગઈ હતી. દિવસના અંતે ભારતે એક વિકેટે 24 રન કર્યા હતા.

ભારતની પણ પહેલી ઈનિંગની શરૂઆત તો ઘણી ખરાબ રહી હતી અને 146 રનમાં તો છ વિકેટ પડી ગઈ હતી. ઓપનર રોહિત શર્માના 49 આ છ વિકેટમાં મુખ્ય ફાળો હતો. પણ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે રંગ રાખ્યો હતો અને 118 બોલમાં સદી કરી તેણે ભારતની લીડમાં મુખ્ય પ્રદાન કર્યું હતું. તે ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 96 અને અક્ષર પટેલે 46 રન કરી ઈંગ્લેન્ડની બોલિંગની નબળાઈઓ ખુલ્લી પાડી હતી.

અને ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં તો જાણે અશ્વિન અને અક્ષર સામે શરણાગતિ સ્વિકારી લીધી હોય તેમ ફક્ત 55 ઓવર્સમાં તે 135 રન કરી તંબુભેગી થઈ ગઈ હતી. ડેન લોરેન્સના 50 અને સુકાની જો રૂટના 30 રન મુખ્ય હતા, તો ભારત તરફથી અક્ષર અને અશ્વિને પાંચ-પાંચ વિકેટ ખેરવી હતી. પંતને તેની સદી બદલ મેન ઓફ ધી મેચ તથા અશ્વિનને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. પંતની કેરિયરની આ ત્રીજી ટેસ્ટ સદી હતી, તો ભારતમાં એ પ્રથમ સદી છે.