ફેડરલ રીઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્કના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકે ઈન્ડિયન અમેરિકન નૌરીન હસનની નિમણુંક કરવામાં આવી છે. ન્યૂ યોર્ક ફેડના પ્રેસિડેન્ટ અને સીઈઓ, જ્હોન સી. વિલિમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નૌરીનનું લીડરશિપ બેકગ્રાઉન્ડ, વૈવિધ્યસભર ટીમ્સનું જતન કરવું તેમજ ટેકનોલોજી અને ફાયનાન્સ ક્ષેત્રનો વ્યાપક અનુભવ તેમની બેંક લીડર તરીકેની આ ભૂમિકામાં ખૂબજ મહત્ત્વના બની રહેશે. તેઓ 15મી માર્ચથી આ નવી જવાબદારી સંભાળશે અને ફેડરલ રીઝર્વ સીસ્ટમના બોર્ડ ઓફ ગવર્નર્સે તેમની નિમણુંકને બહાલી આપી છે. નૌરીન ફાયનાન્સિયલ સર્વિસીઝ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ સ્ટ્રેટેજી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, તથા સાયબર સીક્યુરીટીમાં એક્સપર્ટીઝ સાથે વિવિધ સ્તરે કામ કરી ચૂક્યા છે. ભારતમાં કેરેલાથી અમેરિકા આવી વસેલા માતા-પિતાના પુત્રી, નૌરીન છેલ્લે મોર્ગન સ્ટેન્લીમાં વેલ્થ મેનેજમેન્ટના ચીફ ડિજિટલ ઓફિસર તરીકે સેવારત હતા તેમજ આ ઈન્વેસ્ટમેન્ટ બેંકના વેલ્થ મેનેજમેન્ટ ઓપરેટિંગ કમિટીના મેમ્બર હતા. સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસની માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડીગ્રી ધરાવતા નૌરીન તે અગાઉ ચાર્લ્સ શ્વેબ કોર્પોરેશનમાં ઈન્વેસ્ટર સર્વિસિઝ, સેગમેન્ટ્સ એન્ડ પ્લેટફોર્મ્સના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ હતા.