Indian British model damages claim against Lalit Modi in London`
(Photo by CARL COURT/AFP via Getty Images)
ક્રિકેટ રસિકોમાં જાણીતી ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલનો પ્રારંભ કરનાર બિઝનેસમેન લલિત મોદી સામે લંડન હાઈકોર્ટમાં ‘છેતરપિંડી’નો કેસ હારી જનારી ઈન્ડિયન બ્રિટિશર ભૂતપૂર્વ મોડેલે કોર્ટ ઓફ અપીલમાં નુકસાનીનો દાવો કર્યો છે. તેનો દાવો છે કે મોદીએ તેને ખોટું બોલીને કહ્યું હતું કે તેની કેન્સર ફર્મને પ્રિન્સ એન્ડ્રુનું સમર્થન છે.
વેન્ચર કેપિટાલિસ્ટ ગુરપ્રીત ગિલ માગ અને તેની કંપની ક્વોન્ટમ કેરે લલિત મોદી પર કેન્સર કેર કંપની આયન કેરમાં કરેલા 750,000ના રોકાણ અંગે કેસ કર્યો હતો, જેમાં માગે કોર્ટને નુકસાનીનું વળતર અપાવવા કહ્યું હતું.
મોડેલ ગુરપ્રીત ગિલે જણાવ્યું હતું કે, લલિત મોદીએ તેને એવી રજૂઆત કરી હતી કે આયન કેરમાં ડ્યૂક ઓફ યોર્ક સહિત ઘણા ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો માર્ગદર્શક છે. આ વાત જાણ્યા પછી તેણે તેમાં રોકાણ કર્યું હતું. જોકે, લલિત મોદીએ પોતાની સામેના આક્ષેપો ફગાવ્યા હતા.
2022માં હાઈકોર્ટના ટ્રાયલમાં પુરાવા તપાસનારા ન્યાયમૂર્તિ મુર્રે રોસેને એ જાણવાનો ઇનકાર કર્યો હતો કે લલિત મોદીએ ‘કામગીરીની ખોટી રજૂઆત’ કરી હતી. ગુરપ્રીત માગના વકીલોએ બુધવારે કોર્ટ ઓફ અપીલના ન્યાયમૂર્તિઓ લોર્ડ જસ્ટિસ ન્યૂવી, લોર્ડ જસ્ટિસ સિંઘ અને લોર્ડ જસ્ટિસ નુગી સમક્ષ ન્યાયમૂર્તિ રોસેનનો ચૂકાદો બદલવા અને ફરીથી ટ્રાયલનો આદેશ આપવા વિનંતી કરી હતી.
ફેબ્રુઆરી 2022માં કોર્ટમાં હાજર રહીને ગુરપ્રીત માગે જણાવ્યું હતું કે, મોદીએ તેમને એવું કહ્યું હતું કે, આયન કેરમાં ડ્યુક ઓફ યોર્ક, સ્પેનના રાજા અને રાણી-ફેલિપ છઠ્ઠા અને રાણી લેટિઝિયા પણ માર્ગદર્શક તરીકે સામેલ હતા.
સાક્ષી તરીકે લેખિત નિવેદનમાં, માગે કહ્યું હતું કે, ‘લલિતે કહ્યું હતું કે પ્રિન્સ એન્ડ્ર્યુ તેમના ખૂબ જ ખાસ મિત્ર હતા. લલિતે મને વિશ્વાસમાં લીધી હતી અને હું તેને માનતી હતી, અને તેનાથી ખરેખર પ્રભાવિત થઇ હતી કે આ ખૂબ જ પ્રભાવશાળી લોકો અગાઉથી જ આયન કેરમાં સામેલ થવા માટે સંમત થયા હતા.’
લલિત મોદીએ ગુરપ્રીત ગિલને જણાવ્યું હતું કે, ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ટેનિસ ખેલાડી રોજર ફેડરર સહિતની હસ્તીઓ આયન કેરના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ હતા.ગુરપ્રીત માગે જણાવ્યું હતું કે, પછી તેને જાણવા મળ્યું હતું કે, મોદીએ આવા કથિત માર્ગદર્શક હોવાના ખોટા નિવેદનો આપ્યા હતા.
મોદીના વકીલોએ છેતરપિંડીનાં તમામ આરોપો ફગાવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આવી કહેવાતી રજૂઆતો કરાઈ નહોતી અને કોઈ પણ સંજોગોમાં, કેસ કરનાર દ્વારા આયન કેરમાં રોકાણ કરવામાં તેમના પર વિશ્વાસ રાખવાનો તેમનો ઈરાદો નહોતો.’

LEAVE A REPLY

two + 6 =