અમેરિકામાં એક ભારતીય નાગરિકને સ્થાનિક વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 29 વર્ષીય આશિષ બજાજને આ ગુનામાં વધુમાં વધુ 20 વર્ષની જેલ સજા થવાની સંભાવના છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર એપ્રિલ 2020થી ઓગસ્ટ 2021 સુધી બજાજ અને તેના સાગરિતોએ પોતાને જુદી જુદી બેંકોના ઓનલાઇન રીટેઇલર્સ અને ઓનલાઇન પેમેન્ટ કંપનીઓના છેતરપિંડી નિવારણ બાબતોના એક્સપર્ટ તરીકે જણાવીને અમેરિકન વૃદ્ધોને લક્ષ્યાંક બનાવ્યા હતા.
તેમણે વૃદ્ધ લોકોને પોતાના બેંક એકાઉન્ટમાંથી બજાજ અને અન્ય દ્વારા સંચાલિત એકાઉન્ટમાં નાણા મોકલવા જણાવ્યું હતું અને કથિત સ્ટિંગ ઓપરેશનના થોડા દિવસ પછી તેમના નાણા પરત કરવાનો ખોટો વાયદો કર્યો હતો.
આ વૃદ્ધોએ તેમની વાતો પર વિશ્વાસ કરીને નાણા ટ્રાન્સફર કર્યા હતા. પછી તે ભારત, ચીન, સિંગાપોર અને યુએઇની બેંકોમાં મોકલવામાં આવ્યા હતા.
ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા પ્રમાણે, વૃદ્ધ પીડિતોએ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા બજાજના અમેરિકામાં રહેલા એકાઉન્ટમાં નાણા મોકલ્યા હતા. આ ઉપરાંત તેમણે રોકડ અને કેશિયર ચેક્સ બજાજના કેલિફોર્નિયાના સરનામે મોકલ્યા હતા. વૃદ્ધોએ આ સ્કીમમાં 250,000 ડોલરથી વધુ ગુમાવ્યા છે.’