સરકાર રાષ્ટ્રધ્વજ અંગેના નિયમોમાં શનિવારે મોટા ફેરફાર કર્યા છે. તેનાથી દિવસ અને રાત્રી બંને સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે અને તે મશીનથી બનેલો અને તેમાં પોલિએસ્ટરનો ઉપયોગ પણ કરી શકાશે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલુ થઈ રહ્યું છે ત્યારે સરકારે આ હિલચાલ કરી છે.

તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રધ્વજના પ્રદર્શન, ફરકાવવા અને ઉપયોગનું નિયમન ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ ધારા, 1971 હેઠળ થાય છે. 20 જુલાઈ 2022ના એક આદેશથી ધ્વજ સંહિતા, 2002માં વધુ સુધારા કરવામાં આવ્યા છે, જે મુજબ રાષ્ટ્રધ્વજને ખુલ્લામાં અથવા જનતાના ઘર પર ફરકાવી શકાશે. તેને દિવસ અને રાત્રી એમ બંને સમયે ફરકાવી શકાશે.અગાઉ ત્રિરંગો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવી શકતો હતો.

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના ભાગ-1ના પેરેગ્રાફ 1.2માં કરવામાં આવેલા સુધારા મુજબ રાષ્ટ્રધ્વજ હાથથી કાંતેલો, હાથથી વણેલો અથવા મશીનથી બનેલો હશે. તે કોટન, પોલિએસ્ટર, ઉન, રેશમી ખાદીથી બનેલો હશે. અગાઉ મશીનથી બનેલો અને પોલિએસ્ટર ધ્વજના ઉપયોગની પરવાનગી ન હતી.

પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલુ કરશે. તેનો હેતુ નાગરિકોને તેમના ઘર પર ત્રિરંગો ફરકાવવાનું પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાને ધ્વજ સંહિતાની મુખ્ય વિશેષતાની પણ આ પત્ર સાથે માહિતી આપી છે. તેમાં 30 ડિસેમ્બર 2021 અને 20 જુલાઈ 2022ના રોજ કરાયેલા સુધારાની માહિતી તથા રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને પ્રદર્શન અંગે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અંગે માહિતી છે.