મુંબઈસ્થિત પ્રીસ્ક્રિપ્શન ડ્રગ કંપનીના ભાગીદારને તાજેતરમાં બોસ્ટનની ફેડરલ કોર્ટમાં વિદેશી ફાર્મસી સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભારતીય મૂળના આરોપીએ મંજૂરી વગરની દવાઓ અને ગેરકાયદે દવાઓ સહિત નિયંત્રિત દ્રવ્યોનું વેચાણ કર્યું હતું અને તેને એશિયામાંથી અમેરિકામાં મંગાવ્યા હતા.
34 વર્ષીય મનીષકુમાર નામના શખ્સને અજાણી દવાઓની આયાત કરવાના કાવતરાના એક ગુનામાં અને કેટલાક નિયંત્રિત દ્રવ્યોનું વિતરણ કરવાના કાવતરામાં અને ફેડરલ અધિકારીઓ સમક્ષ ખોટા નિવેદનો આપવા બદલ એક ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. હવે તેને આવતા વર્ષે 18 જાન્યુઆરીના રોજ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ માર્ક એલ. વોલ્ફ સજા સંભળાવશે. મનીષકુમાર પર ફરિયાદના આધારે આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર પછી મે 2021માં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો.
મનીષકુમાર મુંબઈસ્થિત એક દવા કંપનીમાં ભાગીદાર હતો. તેણે અમેરિકામાં જેમની પાસે પ્રીસ્કિપ્શન નહોતું તેવા ગ્રાહકોને કેટલીક દવાઓ અને નિયંત્રિત દ્રવ્યોનું ગેરકાયદે વેચાણ કર્યું હતું. આ કાવતરાના ભાગરૂપે મનીષકુમારે વ્યક્તિગત રીતે સિંગાપોર અને ભારતમાં ડ્રગ સપ્લાયર્સ પાસેથી મેસેચ્યુસેટ્સ અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ મંગાવ્યું હતું.
મનીષકુમાર અને તેના સાગરીતોએ 2015થી 2019 સુધી આ બિઝનેસનું સંચાલન કર્યું હતું. જ્યારે કુમારની આ આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેણે આ અંગે અધિકારીઓ સમક્ષ ખોટા નિવેદનો આપ્યા હતા.
દવાઓની ગેરકાયદે આયાત કરવાના કાવતરાના આરોપો અને ખોટા નિવેદનના આરોપના દરેક ગુનામાં પાંચ વર્ષ સુધીની જેલની સજા, ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળની મુક્તિ અને 250,000 ડોલરના દંડની જોગવાઈ છે. જ્યારે નિયંત્રિત દ્રવ્યોનું વિતરણ કરવાના કાવતરાના આરોપમાં 20 વર્ષ સુધીની જેલની સજા, ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળની મુક્તિ અને એક મિલિયન ડોલરના દંડ થઇ શકે છે.

LEAVE A REPLY

thirteen − 5 =