Shikhar Dhawan
(Photo by Henry Browne/Getty Images)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત કરી હતી. આ સિરિઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારત આ મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં તે ત્રણ મેચની સીરિઝ રમશે. 16 સભ્યોની ટીમમાં નિયમિત સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રિશભ પંત અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.

ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ શુભમન ગિલ વન-ડે ટીમમાં કમબેક કરશે. જ્યારે સંજૂ સેમસનને પણ એક વર્ષ બાદ ફરીથી ટીમમાં સામેલ કરાયો છે. સંજૂ સેમસને ગત વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે વન-ડે રમી હતી. સેમસન અને ઈશાન કિશન ટીમમાં બે વિકેટકીપર છે. આ ઉપરાંત ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના ખભા પર રહેશે. ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે ટીમમાં સ્થાન ન મેળવી શકનારા ઋતુરાજ ગાયકવાડ, અવેશ ખાન અને દીપક હૂડાને તક આપવામાં આવી છે. ગાયકવાડ અને અવેશ ખાને હજી સુધી વન-ડેમાં ડેબ્યુ કર્યું નથી. જ્યારે હૂડા બે વન-ડે રમ્યો છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ

શિખર ધવન (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (ઉપસુકાની), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ