ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ભારતની ક્રિકેટ ટીમે 17 જૂને પ્રેક્ટિશન સેશનમાં ભાગ લીધો હતો.(ANI Photo/BCCI Twitter)

ભારતીય ક્રિકેટ ટીમ એક ટેસ્ટ મેચ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવા ગયા સપ્તાહે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ હતી. ટીમ ગુરૂવારે ઈન્ડિયાથી રવાના થઈ હતી અને શનિવારે તો તેમણે લંડનમાં પ્રેકટીસ પણ શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્ત કે. એલ. રાહુલ ભારતીય ટીમમાં જોડાયો નથી, તે હજી સંપૂર્ણપણે ફિટ નથી અને કદાચ આ સીરીઝમાં રમી નહીં શકે. તો સુકાની રોહિત શર્મા એક દિવસ મોડો આવ્યો હતો. શનિવારે કોહલી અને રોહિત શર્મા લંડનમાં શોપિંગ માટે નિકળ્યા હતા અને જેવી લોકોને ખબર પડી તેવા કેટલાક ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા પહોંચી ગયા હતા, જેમાંથી કેટલાક લોકોને આ બન્નેએ સેલ્ફી લેવા દઈ ખુશ કરી દીધા હતા.

ભારતીય ટીમની પહેલી પ્રેકટીસ મેચ શુક્રવારે (24 જુન) લેસ્ટર સામે ચાર દિવસની ગેમ છે.

ઇંગ્લેન્ડ માટે ભારતથી રવાના થયેલા ખેલાડીઓમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, કે.એસ.ભરત અને હનુમા વિહારીનો સમાવેશ થતો હતો.

ભારતીય ટીમ ગયા વર્ષની અધુરી રહી ગયેલી ટેસ્ટ સીરીઝની પાંચમી અને છેલ્લી, એમ એક ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે રમશે. એ પછી ત્રણ ટી-20 મેચના કાર્યક્રમ મુજબ પહેલી ટી-20 7 જુલાઈએ એજિસ બાઉલ, બીજી મેચ 9 જુલાઈએ એજબેસ્ટન અને ત્રીજી ટી-20 મેચ 10 જુલાઈએ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે.

એ પછી ત્રણ વન-ડેમાંથી પહેલી મેચ 12 જુલાઈએ લંડનમાં ઓવલ, બીજી 14 જુલાઈએ લોર્ડ્સ અને ત્રીજી મેચ 17 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની) કે. એલ. રાહુલ (ઉપસુકાની) શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રીષભ પંત, કે. એસ. ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.