Indian players
(ANI Photo/ Zimbabwe Cricket Twitter)

ભારતીય ક્રિકેટ ટીમે તેના ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સના ઝિમ્બાબ્વેના ટુંકા પ્રવાસમાં પણ સોમવારે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 13 રને વિજય સાથે સીરીઝની ત્રણે મેચમાં વિજય સાથે 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. પહેલી અને બીજી વન-ડે લગભગ એક તરફી રહી હતી, જેમાં ભારતનો આસાનીથી વિજય થયો હતો, તો સોમવાર (22 ઓગસ્ટ) ની છેલ્લી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ જોરદાર સંઘર્ષ કરતાં મેચ રોમાંચક બની ગઈ હતી અને ઝિમ્બાબ્વેનો વિજય પણ હાથવેંતમાં દેખાતો હતો ત્યારે તેણે છેલ્લી ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવતાં ભારતનો 13 રને વિજય થયો હતો. 

પ્રથમ વન-ડેમાં તો ઝિમ્બાબ્વે ફક્ત 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના જવાબમાં ભારતે વિના વિકેટે 192 રન કરી 10 વિકેટે જંગી વિજય નોંધાવ્યો હતો.  

એ પછી, બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ બેટિંગમાં તો વધુ ખરાબ દેખાવ કરી ફક્ત 161 રન કર્યા હતા, પણ તેના બોલર્સે ભારતને તેની મંઝિલે પહોંચતા હંફાવ્યા હતા અને ભારતની પાંચ વિકેટ ખેરવતાં પ્રવાસી ટીમનો પાંચ વિકેટે વિજય થયો હતો. 

ત્રીજી વન-ડેમાં ભારત તરફથી શુભમન ગિલ અને ઝિમ્બાબ્વે તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન સિકંદર રઝાએ શાનદાર સદીઓ કરી હતી. ગિલ માટે તેની પ્રથમ વન-ડે સદી હતી, તો રઝાએ તો છેલ્લી છ વન-ડે ઈનિંગ્સમાં આ ત્રીજી સદી ફટકારી હતી અને ટીમને વિજયના આરે લાવી દીધી હતી, પણ 49મી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો ત્યારે ટીમને 8 બોલમાં 15 રન કરવાના હતા, પણ એ પછી છેલ્લી વિકેટની જોડી ટાર્ગેટ સુધી પહોંચી શકી નહોતી. શુભમન ગિલને તેની 130 રનની શાનદાર ઈનિંગ અને સિકંદર રઝાના કેચ બદલ પ્લેયર ઓફ ધી મેચ તથા પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. ગિલ સિવાય ઈશાન કિશને અડધી સદી કરી હતી, તો ઓપનર શિખર ધવને 40 રન કર્યા હતા. ભારતે 8 વિકેટે 289 રન કર્યા હતા, તો ઝિમ્બાબ્વે તરફથી બ્રાડ ઈવાન્સે 54 રનમાં પાંચ વિકેટ લીધી હતી. 

જવાબમાં ઝિમ્બાબ્વેની શરૂઆત તો નિસ્તેજ રહી હતી, એ પછી તેણે નિયમિત રીતે વિકેટ ગુમાવતા 36મી ઓવરમાં તો તેણે 169 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી રઝા અને ઈવાન્સે 104 રનની ભાગીદારી કરી ટીમને વિજયના આરે લાવી દીધી હતી.  

બીજી વન-ડેઃ અગાઉ શનિવારે રમાયેલી બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 39મી ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. યજમાન ટીમ તરફથી વિલિયમ્સે 42 અને બર્લે 39 રન કર્યા હતા, તો ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 અને બીજા પાંચ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી. 

જવાબમાં ભારત તરફથી સંજુ સેમસને અણનમ 43 અને શિખર ધવન તથા શુભમન ગિલે 33-33 રન કર્યા હતા. ભારતે 26મી ઓવરમાં જ પાંચ વિકેટે 167 રન કરી મેચ અને સીરીઝ જીતી લીધા હતા. ઝિમ્બાબ્વેએ આઠ બોલર્સ અજમાવ્યા હતા, તો સંજુ સેમસનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

પ્રથમ વન-ડેઃ ગુરૂવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વેની ટીમ 41મી ઓવરમાં 189 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં રેગીસ ચાકાબ્વાના 35, રીચાર્ડ નારાવાના 34 અને ઈવાન્સના અણનમ 34 મુખ્ય હતા, તો ભારત તરફથી દીપક ચાહર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અક્ષર પટેલે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ભારત તરફથી શુભમન ગિલ અને શિખર ધવને અણનમ 82 અને 81 કરી 31મી ઓવરમાં વિના વિકેટે 192 કરી 10 વિકેટે વિજય મેળવ્યો હતો.