India's help to Turkey, Syria under 'Operation Dost'
ભારતે સી-17 ગ્લોબમાસ્ટર આઇએએફ વિમાન મારફત તુર્કીને રાહત સામગ્રી મોકલી હતી. (ANI Photo)

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે “ઓપરેશન દોસ્ત” હેઠળ ભારત ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં ફિલ્ડ હોસ્પિટલ, દવાઓ, બચાવ ટીમ મોકલી રહ્યું છે. ભારત રાહત સામગ્રી અને બચાવ ટીમો સાથે અત્યાર સુધી ચાર વિમાનો મોકલ્યા છે.

જયશંકરે જણાવ્યું હતું કે “દરરોજ આપણે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓમાં ઉતાર-ચઢાવ જોઈએ છીએ પરંતુ ભારતના દેશો સાથે સ્થિર સંબંધો છે. ‘વસુદૈવ કુટુંબકમ’ની અમારી નીતિ મુજબ – ભારત માનવતા માટે હંમેશ માટે ઊભું છે. અહીં ઉલ્લેખનીય છે કે તુર્કી હંમેશા વૈશ્વિક મંચ પર ભારત વિરોધી વલણ અપનાવે છે, પરંતુ ભારતે મદદ કરીને માનવતાની મિશાલ કાયમ કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે ભારતીય હવાઇ દળનું ચોથુ વિમાન રાહત સામગ્રી સાથે તુર્કી રવાના થયું છે. તેમાં ફિલ્ડ હોસ્પિટલ, ભારતીય સેનાની તબીબી ટીમના 54 સભ્યો તેમજ અન્ય રાહત સામગ્રી છે.

ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ સર્જાયા બાદ દેશને મદદ કરવા બદલ તુર્કીએ ભારતને “દોસ્ત” ગણાવ્યું છે. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે નવી દિલ્હીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે “જરૂરિયાતમાં રહેલો મિત્ર ખરેખર મિત્ર હોય છે.”  તુર્કી અને હિન્દી ભાષામાં “દોસ્ત” એક સામાન્ય શબ્દ છે… ભારતનો ખૂબ ખૂબ આભાર.”

અગાઉ આપત્તિગ્રસ્ત તુર્કીમાં ભારતે બે સી-17 ગ્લોબમાસ્કર મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનોમાં રાહત સામગ્રી, એક મોબાઇલ હોસ્પિટલ તથા સ્પેશ્યલાઇઝ્ટ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો મોકલી હતી.  ભારતે 101 જવાનો સાથે નેશનલ ડિઝાસ્ટાર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે ટીમો મોકલી છે. આ બે ટીમ સાથે બે સર્ચ ડોગ્સ, ચીપિંગ હેમર, કટીંગ ટૂલ્સ, પ્રાથમિક સારવારની દવાઓ અને કમ્યુનિકેશન સિસ્ટમ પણ મોકલવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તથા રાહત સામગ્રી સાથે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પરથી ભારતીય હવાઇદળ (IAF)ના બે C-17 વિમાનને ઉડાન ભરી હતી.

 

LEAVE A REPLY

twelve + nineteen =