India's GDP growth estimated to slow to 6.8%: Economic Survey
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારણ (ANI Photo)

સંસદમાં મંગળવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2022-23ના આર્થિક સરવે મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ ઘટીને 6થી 6.8 ટકા થશે. આર્થિક વૃદ્ધિનો આ અંદાજ 2022-23ના ચાલુ નાણાકીય વર્ષના 7 ટકાના અંદાજ કરતાં ઓછો છે, જોકે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના 6.1 ટકાના અંદાજ કરતાં ઊંચો છે.

આર્થિક સરવેમાં જણાવાયું હતું કે વૈશ્વિક નરમાઇને કારણે દેશની નિકાસને અસર થશે, પરંતુ મજબૂત ઘરેલુ માગને કારણે આ અસર આંશિક રીતે સરભર થઈ જશે. નાણાપ્રધાન કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા આ સરવે રજૂ કર્યો હતો.

સરવે જણાવ્યા અનુસાર ભારતની જીડીપી ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં આગામી વર્ષે 6.5 ટકા વધુ હશે. તેનાથી વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ થાય છે. જીડીપી વૃદ્ધિ વૈશ્વિક આર્થિક અને રાજકીય ગતિવિધિને આધારે 6.0થી 6.8 ટકા રહેવાનો અંદાજ છે.

ગયા વર્ષે ભારતના અર્થતંત્રે કેવો દેખાવ કર્યો હતો તેનો આર્થિક સર્વેમાં ચિતાર રજૂ કરાયો હતો. અર્થતંત્રમાં કોરોના મહામારીના ફટકાથી રિકવરી આવી હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ફુગાવાજન્ય દબાણ ઊભા થયા છે અને સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી છે.

સરકારને આશા છે કે ભારતની જીડીપી વૃદ્ધિ 6-6.8 ટકાની રેન્જમાં રહેશે, જે ચાલુ નાણાકીય વર્ષના 7 ટકાના અનુમાન કરતાં ઓછી છે. ફુગાવો ખાનગી વપરાશ સામે અવરોધ ઊભો કરે તેટલો ઊંચો નથી. તે રોકાણમાં ઘટાડો કરે તેટલો નીચો પણ નથી. ફુગાવો 2022-23ના નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ બેન્કના 6 ટકાના ટાર્ગેટ કરતાં ઓછો રહ્યો છે. ડિસેમ્બરમાં કન્ઝ્યુમર ફુગાવો 7.52 ટકા રહ્યો હતો.

આર્થિક સરવેમાં જણાવ્યા અનુસાર દેશની ચાલુ ખાતાની ખાધ ઊંચી રહેવાની ધારણા છે, કારણ કે મજબૂત સ્થાનિક અર્થતંત્રથી આયાતને ટેકો મળશે. જ્યારે વૈશ્વિક નરમાઈ હોવાથી નિકાસને નેગેટિવ અસર થશે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 4.4 ટકા રહી હતી, જે અગાઉના ક્વાર્ટરની 2.2 ટકા કરતાં ઊંચી હતી. અગાઉના વર્ષના આ ખાધ 1.3 ટકા હતી. કોમોડિટીના ભાવમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં નરમાઈથી ચાલુ ખાતાની ખાધ વધી છે.

LEAVE A REPLY

17 − 7 =